ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે વહેલી સવારે દીપડાએ ગામમાં ઘુસીને એક પાલતુ પશુનું મારણ કરતા ચકચાર મચી જવા પામી છે.તાલુકામાં અવારનવાર દીપડો દેખાતો હોવાથી ખેડૂતો અને ખેતમજૂરો ખેતરોમાં જવાથી ડર અનુભવી રહ્યા હોવાની ચર્ચા ઉઠવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ રાણીપુરાની બાજુના મોટા સાંજા ગામે થી એક પશુનું મારણ કર્યું હતું. તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં દીપડાનો ભય દિન પ્રતિ દિન વધી રહ્યો હોવાની લાગણી સાથે લોકો ડર અનુભવી રહ્યા છે. દીપડાનું આખું પરિવાર આ વિસ્તારમાં ફરતું હોવાની ચર્ચા પણ ખેડૂત આલમ માં દેખાય છે. થોડા થોડા દિવસે દીપડો દેખાતો હોવાની વાતો સંભળાય છે. સુકવના, લિમોદરા, મોટા સાંજા, રાણીપુરા માં દીપડાએ દેખા દીધા બાદ હવે પશુઓનુ મારણ કરી રહ્યો હોવાથી જનતા માં ફફડાટ જોવા મળી રહ્યો છે. આજરોજ વહેલી સવારે દીપડાએ રાણીપુરા ગામમાં પ્રવેશી ભેંસના નાના બચ્ચાંનું મારણ કર્યું હતું. દીપડાના ગામ સુધી આવી મારણ કરવાના સમાચારથી ગ્રામજનોમાં ભય ફેલાયો છે. ઘર સુધી પહોંચેલા દીપડાથી પશુઓને બચાવવા કે ખુદ તેનાથી બચવું તેવી લાગણી ભય સાથે લોકો અનુભવી રહ્યા છે. વહેલી સવારે પશુપાલકે ઉઠીને જોતા આ પાલતુ પશુ મરણ હાલતમાં દેખાયુ હતું. જેથી ગામના સરપંચને જાણ કરી વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ગતરોજ ત્યાંથી એક કિમિ દૂર મોટા સાંજા ગામેથી પણ ભેંસના બચ્ચાનું મારણ કર્યું હોવાની વાત જાણવા મળતા આ ગામોમાં ડર જોવા મળી રહ્યો છે. ગામના સરપંચ પ્રજ્ઞયભાઇ પટેલે વન વિભાગ પાસે દીપડાને પકડવા પીંજરું મુકવાની માંગ કરી છે. આ સમગ્ર ઘટનાની લોકો માં ભારે ચર્ચા ચાલી રહી છે.
ગુલામહુશેન ખત્રી :- રાજપારડી