ત્રણ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ સહિતના મોસમી પરિબળોએ ખાદ્ય સંકટને વિશ્વની સામે મૂક્યું છે. તમામ દેશો પહેલા તેમની જરૂરિયાતો પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ભારતે આ જ કારણસર ઘઉં સહિતની કેટલીક આવશ્યક ચીજવસ્તુઓની નિકાસ પર પણ નિયંત્રણો લાદ્યા છે. જોકે, ભારતના આ નિર્ણયની વૈશ્વિક બજારમાં વિપરીત અસર જોવા મળી છે. નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી વૈશ્વિક ઘઉંના ભાવમાં તીવ્ર વધારો થયો છે અને રેકોર્ડ ઉચ્ચ સ્તરની નજીક પહોંચી ગયો છે.
સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)ના જણાવ્યા અનુસાર, યુક્રેન પર રશિયાના હુમલા બાદ બંને દેશોમાં ઘઉંનું ઉત્પાદન ઓછું રહેવાની ધારણા છે. દરમિયાન ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. મે મહિનામાં વૈશ્વિક ઘઉંના ભાવમાં 5.6 ટકાનો વધારો થયો છે અને હાલમાં તે ગયા વર્ષના મે મહિના કરતાં 56.2 ટકા વધુ છે. તે માર્ચ 2008ના રેકોર્ડ સ્તરથી માત્ર 11 % જ નીચે છે.
ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને કહ્યું, યુદ્ધના કારણે યૂક્રેનમાં ઘઉંનું ઉત્પાદન ઓછું રહેવાની આશંકા છે. તે સાથે જ કેટલાક ટોચના નિકાસકર્તા દેશોમાં ખરાબ વાતાવરણના કારણે ઉત્પાદન પ્રભાવિત થવાની આશંકા પણ છે. આ બધા વચ્ચે ભારતે નિકાસ પર રોક લગાવવાની જાહેરાત કરી. આ ફેક્ટર્સથી ઘઉંની કિંમત સતત વધી છે. જો કે, એક સારી વાત એ છે કે, મોટા અનાજોની વૈશ્વિક કિંમતો મે મહિનામાં જ થોડી ઓછી થઈ છે. જોકે, મે મહિનામાં 2.1 % ની નરમી બાદ પણ તેની કિંમત સમગ્ર વર્ષમાં 18.1 % થી વધુ છે.