કેબિનેટની બેઠકમાં છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ વયમર્યાદા વધારવા સંબંધિત બિલને મંજૂરી આપવામાં આવી છે. છોકરીઓના લગ્ન માટે લઘુત્તમ વયમર્યાદા ટૂંક સમયમાં 18 થી વધારીને 21 વર્ષ કરવામાં આવી શકે છે. આ માટે સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. લગ્નની ઉંમર વધારવા માટે બાળ લગ્ન કાયદામાં સુધારો કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રિય કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેના માટે સરકાર વર્તમાન કાયદાઓમાં સંકલન કરશે. પીએમ નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2020 ના રોજ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દીકરીઓને કુપોષણ જેવી સમસ્યાઓથી બચાવવા માટે તેમના લગ્નની વય મર્યાદામાં વધારો કરવો જોઈએ. નાની ઉંમરમાં લગ્નને કારણે તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી હતી. ગયા વર્ષે આ મુદ્દે રચાયેલી ટાસ્ક ફોર્સે પોતાના રિપોર્ટમાં લગ્નની લઘુત્તમ ઉંમર 18 થી વધારીને 21 વર્ષ કરવાની ભલામણ કરી હતી. પૂર્વ સાંસદ જયા જેટલીની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. તેના રિપોર્ટમાં, ટાસ્ક ફોર્સે માતા બનવાની વય મર્યાદા અને મહિલાઓ સાથે સંબંધિત અન્ય મુદ્દાઓ પર પણ ભલામણ કરી હતી.