આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું તે દરમિયાન તેઓએ ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી છે. તેમણે આ મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતોને ઘરે પરત ફરવાની અપીલ કરી હતી. કેટલાક ખેડૂત સંગઠનો આ ત્રણ કાયદાને પાછા ખેંચવા માટે લાંબા સમયથી વિરોધ કરી રહ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું, અમારી સરકાર આ સેવા દ્વારા દેશવાસીઓનું જીવન સરળ બનાવવા માટે વ્યસ્ત છે. મારા પાંચ દાયકાના જાહેર જીવનમાં મેં ખેડૂત જીવનની મુશ્કેલીઓને નજીકથી જોઈ અને અનુભવી છે. તેથી જ જ્યારે દેશે મને સેવા કરવાની તક આપી ત્યારે મેં ખેડૂતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. ખેતીને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા. જેથી નાના ખેડૂતોને વધુ પાવર મળે. વર્ષોથી આ માંગ દેશનાં ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી. જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશનાં ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. દેશમાં દસ કરોડથી વધુ ખેડૂતો છે, જેમની જમીન બે હેક્ટરથી ઓછી છે. દેશના નાના ખેડૂતોના પડકારોને પહોંચી વળવા માટે બિયારણ, વીમો અને બચત પર સર્વાંગી કાર્ય કરવામાં આવ્યું હતું. ખેડૂતોનાં કલ્યાણ માટે, અમારી સરકારે આ કાયદો દેશનાં કૃષિ જગતનાં હિતમાં, ગરીબો અને ગામડાનાં હિતમાં સંપૂર્ણ સમર્થન સાથે, ઉમદા હેતુ સાથે લાવ્યા હતા. પરંતુ અમે ખેડૂતોનાં હિત માટેની આટલી પવિત્ર વાત કેટલાક ખેડૂતોને સંપૂર્ણ રીતે સમજાવી શક્યા નથી તેમ છતાં ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો જેથી આજે કૃષિ કાયદાને રદ કરવાનો નિર્ણય લીધો છે.