પંજાબના પૂર્વ મુખ્યમંત્રીએ તેમની રાજકિય પરિસ્થિતિ વિશે ખુલાસો કરી લીધો છે. અમરિંદરે બુધવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. ત્યારપછી અમરિંદરે ભાજપમાં સામેલ થવાની વાત વિશે સ્પષ્ટતા કરી દીધી છે. અમરિંદરે જાતે જ ખુલાસો કર્યો છે કે, તેઓ કોંગ્રેસમાં હવે નહીં રહે. તેમણે એવું પણ કહ્યું છે કે, તેઓ ભાજપમાં સામેલ થવાના નથી. આ નિવેદન બાદ કેપ્ટન અમરિન્દર સિંહે પોતાના ટ્વિટર એકાઉન્ટર પર ડિટેલ પણ બદલી. હવે તેમણે સેનાના કરિયર, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યની સેવામાં સતત કામ કરવાની વાત લખી છે.
એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કેપ્ટન અરવિન્દર સિંહે કહ્યું કે જે પ્રકારે વિધાયક દળની બેઠક બોલાવીને છેલ્લી ઘડીએ મને જાણકારી અપાઈ, મે ત્યારે જ સ્પષ્ટ કરી દીધુ હતું કે હું પદ છોડી રહ્યો છું. અમરિન્દર સિંહે કહ્યું જો કોઈને મારા પર વિશ્વાસ નથી તો મારા રહેવાનો ફાયદો શું છે. પંજાબમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે કેપ્ટન અમરિંદર સિંહ 2 ઓક્ટોબરે માસ્ટર સ્ટ્રોક રમે એવી શક્યતા છે. તેઓ એક નોન-પોલિટિકલ સંગઠન બનાવીને પંજાબમાં નવો રાજકીય દાવ રમશે એવી શક્યતા છે. કેપ્ટનનાં અંગત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ સંગઠન દિલ્હી બોર્ડર પર એક વર્ષથી ચાલતા ખેડૂત આંદોલનને સમાપ્ત કરાવી શકે છે. ત્યાર પછી પંજાબમાં નવા રાજકીય પક્ષની શરૂઆત થશે.
આ રીતે અમરિંદર ખેડૂતોની સાથે સાથે કેન્દ્રને પણ સાથે રાખીને ડબલ ફાયદો લેશે. નવજોત સિંહ સિદ્ધુને લઈને કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે તેઓ કોઈ ટીમ પ્લેયર નથી. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ટીમ પ્લેયરની જરૂર છે. અમરિન્દર સિંહે એ વાત સ્વીકારી કે પંજાબમાં કોંગ્રેસની લોકપ્રિયતા ઘટી રહી છે અને આમ આદમી પાર્ટીનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે. કેપ્ટન અમરિન્દરે કહ્યું કહ્યું કે પંજાબની ચૂંટણી આ વખતે અલગ હશે. કોંગ્રેસ- અકાલી દળ પહેલેથી જ છે અને આમ આદમી પાર્ટી પણ ત્યાં આગળ વધી રહી છે.અમરિન્દર સિંહે કહ્યું કે તેઓ ભલે પંજાબના મુખ્યમંત્રી નથી પરંતુ પંજાબ હજુ પણ તેમનું છે. આથી જ તેમણે ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી છે.