વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સોમવારે એલર્ટ જારી કરીને કહ્યું કે ભારત અને તુર્કીના બજારોમાં નકલી લીવરની દવાઓ વેચાઈ રહી છે. યુનાઈટેડ નેશન્સ ગ્લોબલ બોડી અને WHO એ લોકોને નકલી દવા- ડેફિટેલિયો (ડિફિબ્રોટાઈડ) સામે ચેતવણી આપી છે.
WHO દ્વારા આપવામાં આવેલી ચેતવણીમાં લખ્યું છે કે, “આ WHO મેડિકલ પ્રોડક્ટ એલર્ટ ડેફિટેલિઓ (ડિફિબ્રોટાઇડ સોડિયમ)ના નકલી બેચના સંદર્ભમાં છે. “આ નકલી ઉત્પાદન વિષે ભારતમાં (એપ્રિલ 2023) અને તુર્કી (જુલાઈ 2023)માં જાણવા મળ્યું હતું.દવાઓ બહાર સપ્લાય કરવામાં તેઓએ નિયંત્રિત અને અધિકૃત ચેનલોનો ઉપયોગ કર્યો હતો.
WHO એ જણાવ્યું છે કે આ દવાનો ઉપયોગ હિમેટોપોએટીક સ્ટેમ-સેલ ટ્રાન્સપ્લાન્ટેશન (HSCT) ઉપચારમાં ગંભીર હેપેટિક વેનો-ઓક્લુઝિવ ડિસીઝ (VOD) ની સારવાર માટે થાય છે, જેને sinusoidal obstructive syndrome (SOS) તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ પુખ્ત વયના, કિશોરો, બાળકો અને એક મહિનાથી વધુ ઉંમરના શિશુઓની સારવાર માટે પણ થાય છે. VOD એ એવી સ્થિતિ છે કે જેમાં લીવરની નસો બ્લોક થઈ જાય છે અને અંગને યોગ્ય રીતે કામ કરતા અટકાવે છે.
UN હેલ્થ બોડી અનુસાર, DEFITELIO ના ઉત્પાદક એ વાતને સમર્થન આપે છે કે ચેતવણીમાં ઉલ્લેખિત ઉત્પાદન નકલી છે. WHO એ આ દવાના વાસ્તવિક ઉત્પાદકના સંસ્કરણને પણ ટાંક્યું છે. કંપનીએ જણાવ્યું છે કે લોટ 20G20A સાથે અસલી DEFITELIO જર્મન/ઓસ્ટ્રિયન પેકેજિંગમાં પેક કરવામાં આવે છે, જ્યારે નકલી ઉત્પાદનનું પેકેજિંગ UK/આયર્લેન્ડનું છે. કંપનીએ એ પણ ધ્યાન દોર્યું છે કે દવાના રેપર પર દર્શાવેલ એક્સપાયરી ડેટ પણ ખોટી છે અને તે રજિસ્ટર્ડ શેલ્ફ લાઇફનું પાલન કરતી નથી. વધુમાં, નકલી દવાઓની સંખ્યા બેચ 20G20A સાથે સંબંધિત નથી. કંપનીએ એ પણ કહ્યું છે કે તેની પાસે ભારત અને તુર્કીમાં આ દવાનું માર્કેટિંગ કરવાનો અધિકાર નથી.
આ પહેલીવાર નથી જ્યારે WHO એ આ દવા વિરુદ્ધ એલર્ટ જાહેર કર્યું હોય. અગાઉ 7 મે, 2020ના રોજ પણ WHO એ કહ્યું હતું કે આ નકલી દવા આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, લાતવિયા, મલેશિયા અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં વેચાઈ રહી છે.