જન્મદર અને મૃત્યુદર, કુલ જન્મદર, સ્ત્રી અને પુરુષનો જન્મદર વગેરે જેવા આંકડાઓની પણ માહિતી વસ્તી ગણતરી દ્વારા મળી રહે છે. વસ્તી ગણતરીનો ડેટા આર્થિક, સામાજિક, શૈક્ષણિક તથા વહીવટી બાબતોમાં નીતિવિષયક નિર્ણયો લેવામાં ઉપયોગી બને છે વસ્તી ગણતરી માટે નિમાયેલો સ્ટાફ સમગ્ર દેશમાં ઘરે ઘરે જઈને, પ્રશ્નો પૂછીને, વસ્તી ગણતરીના ફોર્મમાં વિગતો ભરે છે
વસ્તી ગણતરી એટલે દેશની સારી રીતે વ્યાખ્યાયિત ભાગની તમામ વ્યક્તિઓના ચોક્કસ સમયે સંબંધિત વસ્તી વિષયક, આર્થિક અને સામાજિક ડેટા એકત્ર કરી, તેનું સંકલન તથા વિશ્લેષણ કરવાની પ્રક્રિયા. વિશ્વ વસ્તી દિવસે વસ્તીને લગતા ધ્યાને લેવાના મુદ્દાઓ સમગ્ર દુનિયામાં ભારત વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે આવે છે. ખૂબ જ મોટી વસ્તી હોવાના કારણે ભારતની વસ્તી ગણતરી એ વહીવટી તંત્ર માટે સૌથી મોટી વહીવટી કવાયત હોય છે. ભારતની વસ્તી ગણતરી દર 10 વર્ષે કરવામાં આવે છે. ભારતની પ્રથમ વસ્તી ગણતરી વર્ષ 1881માં કરવામાં આવી હતી.
છેલ્લી વસ્તી ગણતરીના આંકડા વર્ષ 2011 માં જાહેર કરવામાં આવ્યા હતા. શરુઆત થઈ તે સમયે ભારતમાં બ્રિટિશોનું શાસન હતું. વર્તમાન સમયમાં ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરની કચેરી, ગૃહ મંત્રાલય દ્વારા દશ વાર્ષિક વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે.
વર્ષ 1951 સુધી થયેલી દરેક વસ્તી ગણતરી માટે એડહોક ધોરણે વસ્તી ગણતરી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. 1948 ની જોગવાઈ અનુસાર દર દશ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. ભારતના બંધારણ અનુસાર અનુચ્છેદ 246 પ્રમાણે વસ્તી ગણતરી એક કેન્દ્રીય સુચીનો વિષય છે. વસ્તી ગણતરી અધિનિયમ, 1948 પ્રમાણે કાયદાનું પાલન કરીને વસ્તી ગણતરીમાં પ્રાપ્ત થયેલી માહિતીમાં ગોપનીયતાની ખાતરી આપવામાં આવે છે. ભારતની વસ્તી ગણતરી એ વૈવિધ્યસભર આંકડાઓનો વિશાળ સ્ત્રોત છે.
વસ્તી ગણતરીમાં કઈ કઈ જાણકારી મેળવવામાં આવે છે?
વસ્તી ગણતરી એ આર્થિક, ખેતી ક્ષેત્ર, શિક્ષણ, આવાસ અને ઘરગથ્થુ સુવિધાઓ, શહેરીકરણ, પ્રજનન ક્ષમતા, મૃત્યુદર, જન્મદર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, ભાષા, ધર્મ, સ્થળાંતર, અપંગતા અને અન્ય ઘણા સામાજિક, સાંસ્કૃતિક અને વસ્તી વિષયક માહિતીનો ડેટા પૂરો પાડે છે.
વસ્તી ગણતરીની પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે છે?
વસ્તી ગણતરી કરવા માટે નીમાએલો સ્ટાફ દરેક ઘરની મુલાકાત લઈને, વિવિધ પ્રશ્નો પૂછીને, વસ્તી ગણતરીના ફોર્મ ભરી વિગતો એકત્રિત કરે છે. આ વસ્તી ગણતરીનો એકત્રિત થયેલો ડેટા ગોપનીય હોય છે. આ માહિતી કાયદાકીય રીતે કે અદાલતોમાં પણ આપવામાં આવતી નથી. એકત્રિત થયેલી માહિતીને દેશભરના અંદાજે 15 જેટલા શહેરોમાં આવેલા ડેટા પ્રોસેસિંગ સેન્ટરમાં મોકલવામાં આવે છે. એકત્રિત થયેલા ફોર્મને સ્કેન કરીને કોમ્પ્યુટરના સોફ્ટવેરમાં તેનો ડેટા નાખવામાં આવે છે.
વસ્તી ગણતરીમાં પ્રાપ્ત થયેલી માહિતીનો ઉપયોગ
વહીવટ અને નીતિવિષયક જગ્યાઓએ તથા સંશોધન હેતુથી, વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે, આયોજનના હેતુથી વસ્તી ગણતરીમાં પ્રાપ્ત થયેલી માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. વસ્તી ગણતરીના મહત્વપૂર્ણ આંકડા દેશ, સમાજ અને વ્યક્તિની આર્થિક અને શૈક્ષણિક પ્રવૃત્તિ પર અવલોકન કરી હ્યુમન રિસોર્સના આયોજન માટે જરૂરી બને છે. વસ્તી ગણતરીમાં પ્રાપ્ત થયેલો ડેટા આરોગ્ય, શિક્ષણ, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રી વગેરે વિષયો પરની નીતિઓ ઘડવામાં ઉપયોગી સાબિત થાય છે. નીતિવિષયક માહિતીની સાથે વસ્તી ગણતરીના આંકડા જન્મદર અને મૃત્યુદર, કુલ જન્મદર, સ્ત્રી અને પુરુષનો જન્મદર વગેરે જેવા આંકડાઓની પણ માહિતી આપે છે.