વર્લ્ડ વોટર ડે ના અવસરે સંયુક્ત રાષ્ટ્ર(UN)એ એક રિપોર્ટ જારી કર્યો છે. આ રિપોર્ટમાં જણાવાયું હતું કે દુનિયાની 26 ટકા વસતી પાસે પીવા લાયક શુદ્ધ કે ચોખ્ખું પાણી પણ નથી. આ ઉપરાંત 46 ટકા લોકો પાસે પાયાની સુવિધા કે સ્વચ્છતા પણ નથી. યુએન વર્લ્ડ વૉટર ડેવલપમેન્ટ રિપોર્ટ 2023માં સ્વચ્છ પાણી અને સ્વચ્છતા અંગે તમામ લોકોની પહોંચી સુનિશ્ચિત કરવા અંગે માહિતી આપવામાં આવી હતી.
આ અહેવાલના એડિટર ઈન ચીફ રિચર્ડ કોનરે કહ્યું કે લક્ષ્યો પૂરાં કરવાનો અંદાજિત ખર્ચ 600 બિલિયન અમેરિકી ડૉલર અને 1 ટ્રિલિયન અમેરિકી ડૉલર વચ્ચે છે. કોનરે કહ્યું કે રોકાણકારો, ફાઈનાન્સર, સરકારો અને ક્લાઈમેટ ચેન્જ સમુદાયો સાથે ભાગીદારી કરવામાં આવી રહી છે. એ સુનિશ્ચિત કરાઈ રહ્યું છે કે પૈસા પર્યાવરણને બચાવી રાખવામાં ખર્ચ થાય અને 200 કરોડ લોકોને પીવાનું પાણી મળી શકે.
અહેવાલ અનુસાર ગત 40 વર્ષોમાં વિશ્વસ્તરે દર વર્ષે લગભગ એક ટકાના દરે પાણીનો ઉપયોગ વધી રહ્યો છે. 2050 સુધી તે સમાન દરથી વધવાની આશા છે કેમ કે વસતી વૃદ્ધિ, સામાજિક-આર્થિક વિકાસ અને પાણીના વપરાશની પેટર્ન બદલાઈ છે.
કોનરે કહ્યું કે પાણીની માગમાં વૃદ્ધિ વિકાસશીલ દેશો અને ઉભરતા અર્થતંત્રોમાં થઈ રહી છે. જ્યાં ઔદ્યોગિક વિકાસ અને ખાસ કરીને શહેરોની વસ્તીમાં ઝડપથી વૃદ્ધિ થઇ રહી છે. તેમણે આગળ કહ્યું કે વૈશ્વિક સ્તરે 70 ટકા પાણીનો ઉપયોગ કૃષિ માટે કરાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે પાકની સિંચાઈની રીત બદલવી પડશે. અમુક દેશોમાં હવે ડ્રિપ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે જેનાથી પાણીની બચત થાય છે. તેનાથી શહેરોને પાણી ઉપલબ્ધ થઈ શકશે.
રિપોર્ટમાં કહેવાયું છે કે ક્લાઇમેટ ચેન્જને લીધે પાણીની અછત એ વિસ્તારોમાં વધી રહી છે જ્યાં તે પહેલાથી ઓછું છે. જેમ કે મધ્ય આફ્રિકા, પૂર્વ એશિયા અને દક્ષિણ અમેરિકાના અમુક ભાગો. આ ઉપરાંત મધ્ય પૂર્વ અને આફ્રિકામાં સહારામાં સ્થિતિ વધુ બદતર થવાની છે. વર્ષમાં ઓછામાં ઓછા એક મહિનામાં 350 કરોડ લોકો પાણીની ગંભીર અછતનો સામનો કરે છે.