કોરોના સંક્રમણ બાદ હવે બર્ડ ફ્લૂ દુનિયા માટે નવો ખતરો બની શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે, બર્ડ ફ્લૂ એવિયન ઈન્ફલ્યુએન્ઝા (ફ્લૂ) ટાઇપ A વાયરસના ચેપથી થતો રોગ છે. આ રોગ સામાન્ય રીતે મરઘાં તેમજ અન્ય પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓને સંક્રમિત કરી શકે છે. જોકે, WHO ના તાજેતરના વિશ્લેષણમાં એવું કહેવામાં આવ્યું છે કે, આ રોગ મનુષ્ય માટે પણ ખતરો બની શકે છે. WHO ચીફ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસ કહે છે કે 25 વર્ષથી H5N1 જંગલી પક્ષીઓ અને મરઘાંમાં મોટા પાયે ફેલાઈ રહ્યો છે, પરંતુ તાજેતરમાં સસ્તન પ્રાણીઓમાં જોવા મળેલા આ ચેપ પર નજીકથી દેખરેખ રાખવાની જરૂર છે.
WHO ચીફ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે કહ્યું કે H5N1 નો પહેલો કેસ 1996 માં નોંધાયો હતો. અમે મનુષ્યો વચ્ચે H5N1 ના માત્ર દુર્લભ અને ઓછા ટ્રાન્સમિશનનું અવલોકન કર્યું છે. પરંતુ આપણે માની શકીએ નહીં કે પરિસ્થિતિ આવી જ રહેશે. આપણે પરિસ્થિતિમાં કોઈપણ ફેરફાર માટે તૈયાર રહેવું જોઈએ.તે કહે છે કે છેલ્લા કેટલાક સપ્તાહો દરમિયાન સસ્તન પ્રાણીઓમાં H5N1 એવિયન ઈન્ફલ્યુએન્ઝા ચેપના ઘણા કેસો નોંધાયા છે, જેમાં મિંક, ઓટર્સ, શિયાળ અને દરિયાઈ સિંહનો સમાવેશ થાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે હંમેશની જેમ, લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ મૃત અથવા બીમાર જંગલી પ્રાણીઓને સ્પર્શ ન કરે અથવા તેમને એકત્રિત ન કરે, પરંતુ સ્થાનિક અધિકારીઓને તેની જાણ કરે. WHO રાષ્ટ્રીય સત્તાવાળાઓ સાથે મળીને પરિસ્થિતિનું નજીકથી નિરીક્ષણ કરવા અને માનવોમાં H5N1 ચેપના કેસોનો અભ્યાસ કરવા માટે કામ કરી રહ્યું છે.
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ, બર્ડ ફ્લૂ વાયરસથી ચેપ માનવોમાં કોઈ લક્ષણો અથવા હળવાથી ગંભીર રોગ સુધીના રોગનું કારણ બની શકે છે. જો સ્થિતિ ગંભીર બને તો પીડિતાનું મૃત્યુ પણ થઈ શકે છે.