એક લોકશાહી દેશનો પાયો ત્યાંના નાગરિકોને મળેલા મતદાનના અધિકાર પર નિર્ભર કરે છે. ભારત એક લોકશાહી અને બંધારણીય દેશ છે, જ્યાં જનતા દ્વારા, જનતા માટે, જનતાનું શાસન છે. ભારતની આઝાદી બાદ 26 જાન્યુઆરી 1950 માં દેશમાં બંધારણ લાગુ થયુ.
ભારતીય બંધારણમાં પ્રત્યેક નાગરિકોને અમુક અધિકાર આપવામાં આવ્યા. આ અધિકારોની સાથે જ આદર્શ નાગરિક માટે અમુક કર્તવ્ય પણ નક્કી કરવામાં આવ્યા. બંધારણમાં ભારતના નાગરિકના જે કર્તવ્ય છે, તેમાંથી એક મતદાનનો અધિકાર છે. મતદારનો અમૂલ્ય મત ચોક્કસ પક્ષને પાંચ વર્ષ માટે સત્તામાં લાવે છે. આ રીતે વ્યક્તિ દેશ અને રાજ્યના વિકાસ માટે નાગરિક તરીકેની ફરજ નિભાવી શકે છે. જોકે દેશમાં મતદાનનું વલણ ઓછુ છે. મતદારોને મતદાન પ્રત્યે જાગૃત કરવા માટે દર વર્ષે જાન્યુઆરી મહિનામાં રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવવામાં આવે છે. 18 વર્ષની ઉંમર બાદ મતદાનનો અધિકાર મળે છે.
રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે છે?
રાષ્ટ્રીય મતદાતા દિવસ 25 જાન્યુઆરીએ દર વર્ષે ભારતમાં મનાવવામાં આવે છે. ભારતનું ચૂંટણી પંચ આ વર્ષે સમગ્ર દેશમાં 12 મો રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવી રહ્યુ છે. વર્ષ 2011 માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી પાટીલે પહેલીવાર 25 જાન્યુઆરી 2011 એ રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવવાની શરૂઆત કરી હતી.
25 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે મતદાતા દિવસ
રાષ્ટ્રીય મતદાતા દિવસને 25 જાન્યુઆરીના દિવસે મનાવવાનું એક ખાસ કારણ છે. ભારતની આઝાદીના ત્રણ વર્ષ બાદ જ્યારે 1950 માં 26 જાન્યુઆરીએ બંધારણ લાગુ કરવામાં આવ્યુ તો તેના એક દિવસ પહેલા એટલે કે 25 જાન્યુઆરી 1950 એ ચૂંટણી પંચની સ્થાપના થઈ. ભારતના ચૂંટણી પંચના સ્થાપના દિવસે રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.
રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવવાનો હેતુ
મતદાનને મુદ્દે ભારતમાં વલણ ઓછુ છે. અત્યાર સુધીમાં દેશમાં મહિલાઓ અને અમુક વર્ગના લોકો મતદાનના અધિકારનો ઉપયોગ કરતા નથી. જોકે દેશની પ્રગતિ માટે દરેક વોટ જરૂરી છે. તેથી મતદાતા દિવસ મનાવવાનો હેતુ તમામ પાત્ર મતદાતાઓની ઓળખ કરીને તેમને વોટ આપવા પ્રત્યે પ્રેરિત કરવાનો છે.
કેવી રીતે મનાવવામાં આવે છે મતદાતા દિવસ?
મતદાતા દિવસના દિને લાયક મતદાતાઓની ઓળખ કરવામાં આવે છે. જો તેમની ઉંમર 18 વર્ષથી વધુની હોય તો આવા યુવાનોનું નામ મતદાતા યાદીમાં સામેલ કરીને તેમનું ચૂંટણી કાર્ડ બનાવવામાં આવે છે. આ દિવસે મતદાતાઓને શપથ પણ અપાવવામાં આવે છે કે તેઓ મતનો ઉપયોગ કરીને દેશના વિકાસ માટે લાયક પ્રતિનિધિની પસંદગી કરે.