એવું લાગી રહ્યું છે ચીન ઈચ્છે છે કે આખી દુનિયા કોવિડ રોગચાળાની નવી લહેરમાં સ્વાહા થઈ જાય. કોરોના વાયરસના કારણે ચીનમાં સ્થિતિ ગંભીર બની ગઈ છે, છતાં વહીવટીતંત્ર મૃત્યુના આંકડા છુપાવી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ કારણસર ફરી એકવાર ચીનને ઠપકો આપ્યો છે. WHO એ કહ્યું છે કે લોકોનો જીવ જોખમમાં છે અને ચીન સાચો ડેટા શેર કરી રહ્યું નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચીનને અપીલ કરી છે કે તે સાચા આંકડા દુનિયાની સામે મૂકે. WHO એ કહ્યું છે કે ચીનમાં કોવિડના વધતા આંકડા માટે ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BA.5.2 અને BF.7 જવાબદાર છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ XXB.1.5 વેરિઅન્ટ પર ચિંતા વ્યક્ત કરી છે. WHOએ કહ્યું કે આ વેરિઅન્ટ ઓક્ટોબરમાં સામે આવ્યો હતો, જે અમેરિકા અને યુરોપમાં ઝડપથી ફેલાયો છે. અત્યાર સુધીમાં 25 દેશો તેની ચપેટમાં આવી ચુક્યા છે. ભારતમાં પણ XXB1.5ના 5 કેસ નોંધાયા છે.
WHO એ ચેતવણી આપી છે કે ચીન દેશમાં COVID-19 રોગચાળાની સાચી અસરને ઓછી કરીને બતાવી રહ્યું છે, ખાસ કરીને મૃત્યુની ચોક્કસ સંખ્યા જાહેર નથી કરી રહ્યું. WHO હેલ્થ ઈમરજન્સી પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર માઈકલ રેયાને કહ્યું, અમારું માનવું છે કે કોવિડથી થતા મૃત્યુની સાચી સંખ્યા જણાવવામાં આવી રહી નથી. તેમણે કહ્યું કે ચીનના આંકડાઓ હોસ્પિટલમાં દાખલ થવા, આઈસીયુમાં દાખલ થવા અને ખાસ કરીને મૃત્યુના સંદર્ભમાં રોગની સાચી અસરને ઓછી બતાવે છે.
ચીને કોવિડ-19 ના કેસો અને મૃત્યુનો દૈનિક રિપોર્ટ પ્રકાશિત કરવાનું બંધ કરી દીધું છે. ચીન મૃત્યુઆંકની ગણતરી પણ યોગ્ય રીતે કરી રહ્યું નથી. હવે કોવિડમાં શ્વસન સંબંધી રોગોથી મૃત્યુ પામેલા લોકોની જ ગણતરી કરવામાં આવે છે. એરફિનિટી, યુકે સ્થિત સાયન્સ ડેટા કંપનીનો અંદાજ છે કે ચીનમાં દરરોજ 20 લાખથી વધુ કોવિડ કેસ છે અને લગભગ 14,700 લોકો મૃત્યુ પામે છે. ચીને લગભગ એક મહિના પહેલા તેની શૂન્ય કોવિડ નીતિને હટાવી લીધી હતી, એ પછી અહીં હોસ્પિટલો અને સ્મશાનગૃહો ભરાઈ ગયા હોવાના અહેવાલો આવી રહ્યા છે.
ભારત સહિત એક ડઝનથી વધુ દેશોએ ચીનના પ્રવાસીઓ પર મુસાફરી પ્રતિબંધો લાદ્યા છે, બીજિંગે આને રાજકીય રીતે પ્રેરિત હોવાની વાત કહીને તેની ટીકા કરી છે. કેસોમાં વધારો થવા છતાં ચીનમાં કોવિડના નવા વેરિઅન્ટની ખબર પડી નથી. ડબ્લ્યુએચઓએ ચેતવણી આપી છે કે આ પરીક્ષણના અભાવને કારણે થઈ શકે છે.