ઈલોન મસ્કે ટ્વિટરના લગભગ 50 % કર્મચારીઓને કંપનીમાંથી છૂટા કર્યા. એક સપ્તાહ પહેલા આ માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મને 44 બિલિયન ડોલરમાં ખરીદનાર ઈલોન મસ્કે ગત સાત દીવસોમાં કંપનીમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જેમાં સમગ્રવિશ્વમાં ટ્વિટરના 7500 કર્મચારીઓમાંથી લગભગ 3700 કર્મચારીઓને નોકરી પરથી છૂટા કરવા જેવા પગલાંનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે, જે કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હતા તેમની પાસેથી શુક્રવારે જ કંપનીના કોમ્પ્યુટર અને ઈ-મેલનો એક્સેસ પરત લેવામાં આવ્યા છે.
જ્યાં એક તરફ ટ્વિટર પર કર્મચારીઓને આ રીતે નોકરીમાંથી છૂટા કરવા બદલ ઈલોન મસ્કની ટીકા થઈ રહી છે. ત્યારે શુક્રવારે મોડી રાત્રે ટેસ્લાના ચીફે પોતે એક ટ્વિટમાં આ વિશે સ્પષ્ટતા કરતા કહ્યું કે, “જ્યાં સુધી ટવિટર પર કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો સંબંધ છે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. ખાસ કરીને જ્યારે કંપની દરરોજ 4 મિલિયન ડોલર(અંદાજે રૂ. 32 કરોડ) ગુમાવી રહી છે. ”
ઈલોન મસ્કએ શુક્રવારે ટ્વિટરની આવકમાં તીવ્ર ઘટાડા વિશે પણ ફરિયાદ કરી અને કહ્યું હતું કે, આવું કેટલાક કાર્યકર્તા જૂથોને કારણે થઈ રહ્યું છે જે જાહેરાતકર્તાઓ પર દબાણ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, “અમે કાર્યકરોને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો. તેઓ અમેરિકામાં સ્વતંત્ર અભિવ્યક્તિને સમાપ્ત કરવા માંગે છે.
ઈલોન મસ્કની ટિપ્પણીઓને તાજેત્તરમાં તેમની નાગરિક અધિકાર જૂથો સાથેની મીટિંગ સાથે જોવામાં આવી રહી છે, જ્યાં ટેસ્લાના વડાને તેમના નેતૃત્વને લઈને પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો હતો. કેટલાક કાર્યકરોએ ચિંતા વ્યક્ત કરી છે કે, યુએસ મધ્યવર્તી ચૂંટણીઓ પહેલા ટ્વિટર અપ્રિય ભાષણનો સ્ત્રોત બની શકે છે.