આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામીબિયાથી લવાયેલા ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છુટ્ટા મુક્યા. વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશના કુનો-પાલપુર અભયારણ્યમાં બનેલા ક્વોરેન્ટાઇન વાડાઓમા 8 માંથી 3 ચિત્તાને મુક્ત કર્યા હતા. આ ચિત્તાઓને વિશેષ વિમાન દ્વારા ગ્વાલિયર એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. અહીંથી તેમને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ પાર્ક લઈ જવામાં આવ્યા હતા.
આ સિવાય આજના દિવસે પીએમ મોદી સેલ્ફ હેલ્પ ગ્રુપ કોન્ફરન્સમાં પણ ભાગ લેશે. મળતી માહિતી મુજબ પીએમ મોદી કુનો નેશનલ પાર્કમાં લગભગ અડધો કલાક રોકાશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન ગ્વાલિયર એરપોર્ટ પર ઉતર્યું ત્યારે મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને રાજ્યપાલ તેમનું સ્વાગત કરવા માટે હાજર હતા.
જણાવી દઈએ કે નામિબિયાથી ચિત્તાને ખાસ પ્રકારના પાંજરામાં પૂરીને લાવવામાં આવ્યા હતા. ભારત સરકારે 1952 માં ચિત્તાને દેશમાં લુપ્ત પ્રાણી તરીકે જાહેર કર્યા હતા. સરકારે 1970 ના દાયકાની શરૂઆતમાં આ પ્રજાતિઓ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો શરૂ કર્યા અને આ વર્ષે 20 જુલાઈના રોજ નામિબિયા સાથે એક કરાર કરવામાં આવ્યો. ચિત્તા પ્રતિસ્થાપિત કરવાનો કાર્યક્રમ શરૂ કરવા તેઓ ભારતને આઠ ચિત્તા આપી રહ્યા છે.