ટેનિસ જગતની મહાન મહિલા ખેલાડી સેરેના વિલિયમ્સે હવે આ રમતને અલવિદા કહી દીધુ છે. દાયકા સુધી ટેનિસમાં રાજ કરનાર સેરેના વિલિયમ્સે 27 વર્ષની લાંબી કરિયર પર વિરામ લગાવતા આ નિર્ણય લીધો છે. થોડા સમય પહેલા જ સેરેના વિલિયમ્સે સોશિયલ મીડિયા પર યૂએસ ઓપનને પોતાની અંતિમ ટૂર્નામેન્ટ ગણાવતા સંન્યાસ લેવાની ભાવુક પોસ્ટ શેર કરી હતી.
યૂએસ ઓપનમાં સેરેના વિલિયમ્સ પોતાની અંતિમ મેચ હારી ગઇ હતી. જોકે, આ હાર છતા તેની માટે આ મેચ યાદગાર બની ગઇ હતી. સેરેના વિલિયમ્સને અંતિમ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાની અજલા તોમ્લજાનોવિક સામે 7-5,6-7,6-1 થી હારનો સામનો કરવો પડ્યો હતો.
સેરેના વિલિયમ્સ પોતાની કરિયરના અંતિમ મુકાબલા પછી ભાવુક જોવા મળી હતી. આ દરમિયાન તેની આંખમાં આંસુ નીકળી રહ્યા હતા. આ દરમિયાન તેને ત્યા હાજર લોકો અને કરોડો ચાહનારાઓનો આભાર માન્યો હતો અને પોતાના નજીકનાઓને યાદ કર્યા હતા. સેરેના વિલિયમ્સે કહ્યુ, તમારા બધાનો આભાર. હું વધુ રમી શકત. થેન્ક્યૂ પાપા, મને ખબર છે તમે જોઇ રહ્યા છો પરંતુ આ બધુ મારા માતા-પિતાને કારણે થઇ શક્યુ, તે બધુ ડિઝર્વ કરે છે, હું તેમની આભારી છું. મારી બહેન વીનસ વિલિયમ્સ વગર હું ક્યારેય ટેનિસ ના રમી શકતી.
સેરેના વિલિયમ્સે પોતાની કરિયરમાં કુલ 23 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ પોતાના નામે કર્યા છે. 40 વર્ષની આ મહાન ખેલાડી આ મહિને 26 તારીખે પોતાનો 41 મો જન્મ દિવસ મનાવશે. સેરેના વિલિયમ્સે તાજેતરમાં એક મેગેઝિનના કવર પેજ લોન્ચ દરમિયાન પોતાના સન્યાસની વાત કહી હતી. આ દરમિયાન તેને કહ્યુ હતુ કે તે 23 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા બાદ ટેનિસમાં અંતર બનાવવા માટે તૈયાર છે. સેરેના વિલિયમ્સની ગણના વિમેન્સ ટેનિસની મહાન ખેલાડીમાં કરવામાં આવે છે અને તે પછી પણ તેને યાદ રાખવામાં આવશે.