ભરૂચ જિલ્લા કક્ષાના 70 માં વન મહોત્સવની ઉજવણી હાંસોટ ના પંડવાઈ સુગર ફેકટરી ખાતે કરવામાં આવી હતી. ઉજવણીના અંતે ભરૂચ જિલ્લાના 1500 થી વધુ લોકોએ વૃક્ષોનું ઉછેર કરવા અને જતન કરવા માટે શપથ પણ લીધા હતા. વિવિધ ગામોના સરપંચો, સખી મંડળની બહેનો, ખેડૂતો સહિત સરકારી અમલદારોએ પણ વૃક્ષો વાવી તેના જતન કરવાના લીધા શપથ લીધા હતા.
જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી માં રાજયકક્ષાના રમતગમત મંત્રી ઇશ્વરસિંહ પટેલ અને જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે એ હાજરી આપી હતી. જેમાં જિલ્લાના 17 જેટલા પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરી પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે સાથે સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓને પણ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી બદલ પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામના સરપંચે વનમહોત્સવમાં કંઇક અલગ રીતે જ વૃક્ષારોપણ કરાવવાની જાહેરાત કરી હતી. તેઓએ જો ઉટિયાદરાના ગ્રામજન પોતાની જમીનમાં કે ગામની જમીનમાં 11 વૃક્ષો વાવી ઉછેર કરશે તો પંચાયત દ્વારા તેમનો વેરો માફ કરવાની જાહેરાત તેમજ ગામમાં સૌથી વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરનારને 3 વર્ષ બાદ 25000, 11000 અને 5000 એમ ત્રણ ક્રમાંક માં રોકડ રકમ ઇનામ સ્વરૂપે એનાયત કરવાનું જણાવેલ. નાયબ વન સરંક્ષક આર.બી. પટેલ તેમજ મદદનીશ વનસંરક્ષક ભાવનાબેન દેસાઇ સહિત વન વિભાગના અધિકારીઓને પણ શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનીત કરાયા હતા.