હૃદય આપણાં શરીરનું એન્જિન છે, જેના દ્વારા આપણાં શરીરનું તંત્ર ચાલે છે: ડૉ ભરત ચાંપાનેરીઆ ઇન્દ્રશીલ કાકા-બા અને કલાબુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કાકા-બા હોસ્પિટલ હાંસોટ ભરુચ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અત્યંત આધુનિક સારવાર કેન્દ્ર છે, જેમાં રાહતદારે તમામ રોગોની સારવાર તેમજ ઓપરેશન કરવામાં આવે છે.
ઇન્દ્રશીલ કાકા-બા અને કલાબુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને ગ્લોબલ હેલ્થ સ્ટ્રેટેજીસ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે સાહસ પ્રોજેક્ટ ચાલે છે, સાહસ પ્રોજેક્ટ અંતર્ગત હાંસોટમાં ૦ થી ૧૮ વર્ષના બાળકોના આરોગ્ય અને સુખાકારી માટે કામ કરી રહ્યું છે, જેથી હાંસોટમાં એનીમિયા અને કુપોષણના વધતાં પ્રમાણને અટકાવી શકાય.
જન્મજાત હૃદય રોગ ગંભીર સમસ્યા છે, જેમાં બાળકને જન્મથી જ હૃદયમાં છિદ્ર રહે છે અને તે છિદ્ર સમયસર વિકાસ પામતો જાય છે, આવી સ્થિતિમાં બાળકનું આયુષ્ય ઘણું ટુંકાઈ જાય છે, જો આ રોગનો સમયસર સારવાર કરવામાં ન આવે તો બાળક વહેલી ઉમરે મૃત્યુ પામી શકે છે. આ રોગ બાળકના સંપૂર્ણ વિકાસમાં એક અવરોધરૂપ બની સામે આવે છે. આવા પ્રકારની સારવારમાં ખર્ચની દ્રષ્ટિએ ૫ લાખથી પણ વધુ ખર્ચ થવાની સંભાવના રહે છે. રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) દ્વારા કરવામાં આવેલ આરોગ્ય તપાસણીમાં એવા બાળકોની ઓળખ થઈ જેમને જન્મજાત હૃદય રોગની બીમારી હતી, જેમાંથી 5 બાળકોનું કાકા-બા હોસ્પિટલ અને સાહસ ટીમના સહયોગથી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ અમદાવાદ ખાતે વિનામૂલ્ય સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આવા પ્રકારની સર્જરી કરાવવામાં માતા પિતા હમેંશા ખર્ચ અને બાળકના જીવના જોખમને લઈને ઘબરાઈ જાય છે, પરંતુ આ પ્રોજેક્ટ અંતર્ગત ઓપરેશનનું સંપૂર્ણ ખર્ચ કાકા-બા હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું, સાથે સાથે કાકા-બા અને સાહસ માતા પિતાને ડગલે ને પગલે હિંમત આપતું રહ્યું હતું જેથી માતા-પિતાને આવી કપરી પરિસ્થિતિમાં અડગ ઊભા રહવાની સકારાત્મક હિંમત મળે. હાલ આ તમામ બાળકો આશીર્વાદરૂપમાં મળેલ જીંદગી જીવવાની આનંદ માણી રહ્યા છે.
“હૃદય આપણાં શરીરનું એન્જિન છે, જેના દ્વારા આપણાં શરીરનું તંત્ર ચાલે છે. આધુનિક વિજ્ઞાન અને તબીબી શાસ્ત્રમાં થયેલ તકનીકી વિકાસથી હૃદયમાં રહેલી ખામીને સંભવિત સારવાર કરીને દૂર કરી શકાય છે અને એક નવું જીવંત જીવન જીવી શકાય”. (ડૉ.ભરત ચાંપાનેરીઆ, ટ્રસ્ટી, ઇન્દ્રશીલ કાકા-બા અને કલાબુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ)