બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને સ્માર્ટ શિક્ષણ થકી બાળક સ્માર્ટ બને એ માટે આજરોજ હાંસોટ તાલુકાના ઉતરાજ ગામે ઉતરાજ અને ધમરાડ ગામની રાજ્ય સરકારના સહયોગથી પ્રોજેકટ ‘સાહસ’ (સ્ટ્રેન્થનિંગ એક્સેસ એન્ડ અવેરનેસ ઓફ હેલ્થ ઈન હાંસોટ) અંતર્ગત બે સ્માર્ટ આંગણવાડીઓનું લોકાર્પણ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
કાર્યક્રમનું દિપ પ્રગટાવી અધ્યક્ષસ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે રાજય સરકારના સહયોગથી પ્રોજેકટ સાહસ (સ્ટ્રેન્થનિંગ એક્સેસ એન્ડ અવેરનેસ ઓફ હેલ્થ ઈન હાંસોટ) અંતર્ગત આંગણવાડીઓમાં આઇસીડીએસ વિભાગ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે પોષક આહાર આપી સુપોષિત બનાવવા માટે પહેલ કરવામાં આવી છે. આ પ્રોજેકટ હેઠળ શાળાઓમાં બાળકોના સ્વાસ્થયની કાળજી રાખવા માટે કામગીરી પણ કરવામાં આવશે. આંગણવાડીઓમાં બાળકોના વજન,ઉંચાઇ,કદનું વૈજ્ઞાનિક આકલન કરી બાળકોમાં વધુ કુપોષિત અને મધ્યમ કુપોષિત બાળકોને આઇડેન્ટિફાય કરવામાં આવ્યા છે. અમારા લક્ષ્યાંક છે કે પ્રોજેકટ સાહસ હેઠળ આવનારા બે વર્ષમાં હાંસોટ તાલુકામાં એક પણ બાળક હેલ્થ પેરામીટર્સ અંતર્ગત રેડ કેટેગરી તેમજ વધુ કે મધ્યમ કુપોષિત નહીં રહે એમ શ્રી ચૌધરીએ ઉમેર્યું હતું. તેમણે વધુમાં કહયું કે શાળાઓમાં પણ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થય કાર્યક્રમ ટીમો દ્વારા ૧૦૦ ટકા મુલાકાત અને આરોગ્ય ચકાસણી કરીને બાળકને નિરોગી રાખવા સાથે જો કોઇ બાળકમાં કોઇ ગંભીર બિમારીના લક્ષણ જણાય તો વધુ નિદાન અને સારવાર કરાવવામાં આવે છે.
બાળકોના વધુ સારા સ્વાસ્થ્ય અને સ્માર્ટ શિક્ષણ માટે હાંસોટ તાલુકાના ઉતરાજ અને ધમરાડ ગામે નવીનીકરણ પામેલી આંગણવાડીઓ નાના બાળકો અને કિશોરીઓ માટે સલામત અને સકારાત્મક શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ કરશે. સ્માર્ટ આંગણવાડીઓમાં અહીં રમકડા અને અન્ય સંસાધનો પૂરા પાડવા સાથે બાળકોને સુરક્ષિત, સ્વસ્થ અને પ્રેરક વાતાવરણ મળી રહેશે. તેમણે કાકા-બા હૉસ્પિટલ ભરૂચ જિલ્લામાં ઘણાં વર્ષોથી ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા પૂરી પાડી રહી છે તેમ પણ ઉમેર્યું હતું.
ઈન્દ્રશીલ કાકા-બા અને કાલા બુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ.ભરત ચાંપાનેરિયાએ સીએસઆર એકિટવિટી અને કાકા-બા હોસ્પિટલની અને સાહસ પ્રોજેકટ અંગેની પણ વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. આ અવસરે નવિનીકરણ પામેલી ઉતરાજ અને ધમરાડ ગામની સ્માર્ટ આંગણવાડીની ચાવી જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના વરદહસ્તે જે તે ગામના સરપંચ અને આંગણવાડી કાર્યક્રરને સુપ્રત કરવામાં આવી હતી.
આ વેળાએ કુપોષણ સામે કેવી રીતે કામ કરવું તે અંગેની માહિતી ભવાઇના કાર્યક્રમના માધ્યમથી ઉપસ્થિતોને પુરી પડાઇ હતી. અન્ય મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ ગેમલસિંહ પી.પટેલ, તાલુકા વિકાસ અધિકારી ડો. અલ્પના નાયર, કારોબારી અધ્યક્ષ, ઉતરાજ અને ધમરાડ ગામના સરપંચો, વિવિધ ઔધોગિક કંપનીના સી.એસ.આર વિભાગના પ્રતિનિધિઓ, સાહસ પ્રોજેકટના પ્રતિનિધિઓ, કાકા-બા હોસ્પિટલના પ્રતિનિધિઓ, આંગણવાડી બહેનો, ગ્રામજનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહયા હતા.