ઝગડિયા જીઆઇડીસી ના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી (ટ્રીટમેન્ટ વગર) ઝગડિયાથી પાઈપલાઈન દ્વારા કાંટીયાજાળ દરિયામાં છોડવામાં આવે છે. આ પાઈપલાઈન હાંસોટ ખાતેના ખેતરોમાંથી પસાર થાય છે. તારીખ ૨૪/૦૯/૨૧ ના રોજ ખેડૂતોને તેમના ખેતરોમાં કાળા કલરનું પ્રદુષિત પાણી વહી રહ્યા હોવાની જાણ થતા તેમના દ્વારા NCT ના સત્તાધીશોને આ બાબતની મૌખિક ફરિયાદ કરવામાં આવી હતી જે બાદ NCT ના સત્તાધીશો અને ખેડૂતોની અનેક મુલાકાતો થઈ પરંતુ પ્રશ્નની કોઈ નિરાકરણ આવ્યું નથી. શરૂઆતમાં ભારે વરસાદ હોવાનું કારણ આપી સમારકામ કરવામાં આવ્યું ન હતું. તેમજ ભંગાણ હોવા છતાં રોજ રાત્રે પ્રદુષિત પાણી છોડતા હોવાની ખેડૂતો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે.
હાંસોટના ખેડૂ તાજ્ભાઈ અબ્દુલ હકના જણાવ્યા મુજબ “ ભારે વરસાદમાં અમો ખેતરે જતા ન હતા ૨૪/૦૯/૨૧ ના રોજ અમોએ જોયું કે પ્રદુષિત પાણી ખેતરોમાં વહી રહ્યું છે જે આસપાસના અનેક ખેતરો સુધી વહી રહ્યું હતું આ ક્યારથી હતું એ ચોક્કસ નથી પરંતુ જે પ્રમાણે વધુ વિસ્તારમાં ફેલાયુ છે એટલે આ લાંબા સમયથી વેહતું હોઈ શકે છે. આજ જગ્યા પર અગાઉ પણ ભંગાણ સર્જાયું હતું આમ વારંવાર અમારા ખેતરોમાં પ્રદુષિત પાણીના લીધે અમોને મોટું આર્થિક નુકસાન થાય છે. આ લાઈનનું કામ યોગ્ય માપદંડો મુજબ ના થયું હોવાના કારણે આવું થતું હોઈ શકે છે. અમોએ NCT ને ફરિયાદ કરી છે કે આ લાઈન અહિયાંથી અન્ય જગ્યાએ સ્થાળાંતર કરી લઈ જવામાં આવે. અમારા પાક અને જમીનની ફળદ્રુપતાને મોટું નુકસાન થયું છે અમારી આ આજીવિકા છે અમારું જીવન આ ખેતી પર જ નભે છે”.
નર્મદા પ્રદુષણ નિવારણના જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે “શરૂઆતથી જ અમો વિરોધ અને લડત આપતા હતા તે આજે સાચું સાબિત થઈ રહ્યું છે. અમારી લડત ના મુદ્દા હતા કે (૧) નંખાયેલ પાઈપલાઈનનું હાઇડ્રો ટેસ્ટ કરવામાં આવે અને જાહેર કરવામાં આવે (૨) ટ્રીટમેન્ટ કર્યા પછી જ એફલુઅન્ટ દરિયામાં છોડવામાં આવે (૩) લાઈનમાં ભંગાણ થાય કે અન્ય ઈમરજન્સી માટે ૭૨ કલાક સુધી એફલુઅન્ટ સંગ્રહ થાય એવા ગાર્ડ પોંડનું નિર્માણ કરવું. અમારી વાંરવારની માંગણીઓનો યોગ્ય જવાબ ના મળતા અમોને NGT કોર્ટમાં જવાની ફરજ પડી હતી અને તેમાં થયેલ હુકમ કોર્ટમાં NCT દ્વારા ૧ કરોડની બેંક ગેરંટી જમા કરાવી છે અને બાંહેધરી આપવામાં આવી છે કે નવેમ્બર ૨૧ સુધીમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ૭૨ કલાક સુધી એફલુઅન્ટ સંગ્રહ થાય એવા ગાર્ડ પોંડનું નિર્માણ કરશે. લાઈનનું હાયડ્રો ટેસ્ટ કરી જાહેર કરવામાં આવશે. જોકે NCT એ મુદત માંગવા કોર્ટમાં ગયા હોવાના બિન સત્તાવાર માહિતી છે અધિકારીક અને વધુ કોઈ માહિતી નથી”.