ભરૂચ જીલ્લાનાં હાંસોટ તાલુકાનાં આલીયાબેટ નજીક નદીમાં ન્હાવા પડેલા મલેકવાડનાં યુવાનો પૈકી ચાર યુવાનો ડૂબી જતાં આજે 3 યુવાનોનાં મૃતદેહ મળી આવતા હાંસોટ હીબકે ચઢયું હતું. હાંસોટ તાલુકાનાં મલેકવાડમાં રહેતા યુવાનો ગઇકાલે રવિવાર હોવાથી આલીયાબેટ ફરવા માટે ગયા હતા. લગભગ 10 થી 12 યુવાનો આલીયાબેટ ખાતે ફરવા ગયા હતા. જયાં 4 થી 6 જેટલા યુવાનો નર્મદા નદીમાં ન્હાવા પડયા હતા. જયાં એકાએક દરિયાની ભરતીમાં પાણી આવતાં યુવાનો ખેંચાવવાનું શરૂ થતાં બે યુવાન નદીમાંથી બહાર નીકળવામાં સફળ થયા હતા. પરંતુ દરિયાની ભરતીમાં ચાર યુવાનો સિહાબ સકિલ મલેક, કાદિર કરમ હુશેન શેખ, જીશાન જાવિદ મલેક, મુસ્તુફા જાવિદ મલેક નાઓ ઊંડા પાણીમાં ચાલ્યા ગયા હતા. જેને લઈને કિનારા પર બેઠેલા તેમની સાથે ગયેલા યુવાનો હેબતાઈ ગયા હતા અને કેટલાંક યુવાનોએ ગામમાં આવીને જાણ કરતાં સમગ્ર હાંસોટ ગામનાં લોકો આલીયાબેટ ખાતે ઉમટી પડયા હતા. મોડી રાત્રી સુધી ચારે યુવાનોની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેઓ નહીં મળતા આજે ભરૂચ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ, મરીન મામલતદાર સહિત સ્થાનિક તરવૈયા, તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ પીરૂભાઈ હાંસોટ દોડી ગયા હતા અને યુવાનોની નદીમાં શોધખોળ શરૂ કરી હતી.
જેમાં સિહાબ મલેક, જીશાન મલેક, કાદિર શેખનો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે મુસ્તુફા જાવેદ મલેકની શોધખોળ થઈ રહી છે. ગઇકાલે સાંજનાં તંત્રએ વહેલી મદદ નહીં કરી હોવાનું લોકો કહી રહ્યા છે. હાલ તો યુવાનનાં મોતને પગલે હાંસોટ ગામ હીબકે ચઢયું છે. પોલીસે અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ભરૂચ જીલ્લાનાં હાંસોટ તાલુકાનાં મલેકવાડનાં ચાર યુવાનો આલીયાબેટ નજીક નદીમાં ડૂબી જતાં 3 નાં મૃતદેહ મળી આવ્યા.
Advertisement