ઈન્દ્રશીલ કાકા-બા અને કલા બુધ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કાકા-બા હોસ્પિટલ, હાંસોટ દ્વારા ઉત્તરાજ,કલમ અને કાંટાસાયણ સહિત પ્રાથમિક શાળાઓ ખાતે બાલવાટિકા પ્રવેશોત્સવ નિમિતે કવૉલિટી એજ્યુકેશન કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન તારીખ ૨૨.૦૬.૨૦૨૩ ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં વિણાબેન ચાંપાનેરિઆના હસ્તે કવૉલિટી એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
એજયુકેશન કિટમાં સ્કૂલબેગ, ૨ નોટબૂક, સ્કેચબૂક, દેસી હિસાબ, કંપાસબૉક્સ, પાણીની બોટલ અને સ્ટેશનરીનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં વિણાબેન ચાંપાનેરિઆએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી, શિક્ષણ તેમજ સ્વયંશિસ્તનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમ આયોજનનો મુખ્ય હેતુ ગ્રામ્ય સ્થિત આર્થિક રીતે વંચિત વર્ગના વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનો છે. આ પહેલ શાળાના વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત શિક્ષકોમાં સકારાત્મક લાગણી જગાડી તેમના ઉત્સાહમાં અનેરો ઉમેરો કર્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય અને શિક્ષકો તથા કાકા-બા હોસ્પિટલના સ્ટાફ તેમજ ગામલોકોએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
હાંસોટ તાલુકામાં સ્થિત કાકા-બા હોસ્પિટલ છેલ્લા ૩૮ વર્ષોથી લોકોના આરોગ્ય અને સુખાકારી માટે કામ કરી રહી છે. કેડિલા ફાર્માસ્યુટિકલના CSR અંતર્ગત કાકા-બા હોસ્પિટલ દ્વારા હાંસોટ તાલુકાના ઉત્તરાજ, કાંટાસાયણ અને કલમ ગામને તેમના સર્વાંગી વિકાસ માટે દત્તક લેવામાં આવ્યા છે.