જાણવા મળ્યા મુજબ હાંસોટનાં બહુચર્ચિત સાબીર કાનુગા હત્યા પ્રકરણમાં મુખ્ય આરોપી પીન્ટુ ખોખરની ધરપકડ બાદ આ પ્રકરણનાં વધુ એક આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા સાંપડી છે. હાંસોટના સાબીર કાનુગા અને પપ્પુ ખોખર ગેંગ વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચતા વર્ષ ૨૦૧૬ માં પપ્પુ ખોખરના ભાઇ પીન્ટુ ખોખરે સાબીર કાનુગાના માથામાં ગોળી મારી હત્યા કરી હતી. હાંસોટમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમનો ખાત્મો કરવા કટિબદ્ધ રેંન્જ આઇ.જી.પી. અભય ચુડાસમાએ એક પછી એક આરોપીઓને પકડી જેલ ભેગા કરતા અને હાંસોટ પંથકમાં અભૂતપૂર્વ શાંતિ વ્યાપી હતી.
સાબીર કાનુગા હત્યા કેસમાં સલીમ નસીરૂદ્દીન રાજ નામનો બિલ્ડર નાસતો ફરતો હતો. જેને પકડી પાડવા રેંન્જ વડા અભય ચુડાસમાએ તાકીદ કરતાં પીઆઈ જે.એમ.યાદવ, આર.આર.સેલ પીએસઆઈ એચ.પી.ઝાલા, પીએસઆઈ આર.આર.બ્રહ્મભટ્ટ અને તેમની ટીમે ભાગેડૂ બિલ્ડરને ઝડપી પાડવાનું ઓપરેશન સફળ બનાવ્યું હતું. જેમાં જાણવા મળેલ માહિતીના આધારે ભરૂચ ને.હા. નં. ૪૮ ઉપર આવેલી એક ફૂડ કોર્ટ ખાતેથી સોમવારની રાત્રે સલીમ રાજને ઝડપી પાડી હાંસોટ પોલીસના હવાલે કર્યો હતો. સમગ્ર પ્રકરણમાં ભરૂચના પોલીસ અધિક્ષક સંદિપ સિંઘના માર્ગદર્શન હેઠળ હાંસોટ પીઆઈ ચૌધરી ચલાવી રહ્યાં છે