રસીકરણના દરેક તબક્કે પર મિલિયન વેક્સિનેશનમાં ગુજરાત દેશમાં અગ્રેસર હોવાનો દાવો ગુજરાત સરકારે કર્યો છે. તો સાથે જ પર મલિયન પોપ્યુલેશનમાં 3 લાખ 97 હજાર 572 વ્યક્તિઓનું રસીકરણ થયું હોવાનું પણ ગઈકાલે સરકારે જણાવ્યું. પરંતુ હાલ ગુજરાત સરકારના વેક્સિનેશન કાર્યક્રમનું સૂરસૂરિયું નીકળતુ દેખાઈ રહ્યુ છે.
ગુજરાતમાં હાલ ગોકળગાયની ગતિએ વેક્સિનેશન ચાલી રહ્યુ છે. ગુજરાતના અનેક સેન્ટરો પર વેક્સીનના ડોઝ ઉપલબ્ધ નથી. લોકો નિરાશ થઈને પરત ફરી રહ્યા છે. ત્યારે સરકારના આ દાવાની પોલ ખુલ્લી પડતી નજર આવી રહી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં પણ વેક્સીનનો જથ્થો ખૂટી પડ્યો છે. અમદાવાદમાં વેક્સીનને લઈ બોડકદેવ અર્બન હેલ્થ સેન્ટર સામે રસીકરણ કેન્દ્ર પર લાઈનો જોવા મળી રહી છે.
અંધ કન્યા પ્રકાશ સ્કુલ બહાર વેક્સીન લેવા લોકોની લાઈનો પડી છે. સવારે 4 વાગ્યાથી લોકની લાઈન લાગી છે. 100 કરતા વધારે લોકો લાઈનમાં જોવા મળ્યા છે. જોકે હાલ વેક્સીનના 150 ડોઝજ સેન્ટર પર આપવામાં આવે છે. આ સેન્ટર પર રોજ 80 જેટલા જ ટોકન આપવામાં આવે છે. તેમજ કોવેક્સીન આપવામાં નહિ આવે તેવા સેન્ટર બહાર બોર્ડ મરાયા છે. હાલ સ્થિતિ એવી છે કે, સવારે 9 વાગે સેન્ટર શરૂ થાય તે પહેલા જ લોકોની લાઈનો લાગી જાય છે. લોકો 4 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે.
તેથી સવારથી લાઈનમાં આવી લોકો ઉભા રહ્યા છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ કામગીરી મંદ ગતિએ ચાલી રહી છે. સેન્ટરો પર દસ દિવસે એકવાર આરોગ્ય ખાતાની ટીમ આવે છે. હાલ પરિસ્થિતિ એવી છે કે, રસીના ડોઝ પૂરા થઇ જતાં લોકોએ નિરાશ થઇ પરત થવું પડે છે. લપકામણ ગામમાં હજુ 50 ટકા કરતાં વધારે લોકો રસીથી વંચિત છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકો ખેતી સાથે સંકળાયેલા હોવાથી સવારના સમયે ખેતર હોય છે. સવારે જ રસીકરણ માટે ટીમ આવતી હોવાથી ઘણા લોકો રસી લઇ શક્યા નથી. હજી પણ ઘણા લોકોને રસીનો ડર લાગી રહ્યો છે. એપ્રિલ માસમાં કોરોનાના કેસ વધતાં લોકો રસી તરફ વળ્યા છે. જોકે હવે રસીનો જથ્થો ઓછા આવતાં લોકો રસીથી વંચિત બન્યા છે. સુરતમાં સ્પોટ વેક્સીનનું સુરસુરીયું નીકળ્યું છે. લોકો સવારના 5 વાગ્યાના લાઈનમાં ઉભા રહ્યાં છે. લોકોને ટોકન આપવામાં આવી રહ્યાં છે. કલાકો સુધી નંબર નહિ આવતા લોકો પરત ફરી રહ્યા છે.
130 સેન્ટર બંધ કરવામાં આવ્યા છે. વેક્સીનનો જથ્થો અપૂરતો હોવાને કારણે સેન્ટર બંધ રાખવામાં આવ્યા છે. રાજકોટના નાનામવા રોડ પર વેક્સિન માટે લોકોની લાંબી લાઈનો લાગી છે. કોવિશિલ્ડ વેક્સિનના 6000 વાઇલનો જથ્થો ગઈકાલે રાજકોટ પહોંચ્યો હતો. વેક્સિનના ડોઝ લેવા લોકોની પડાપડી થઈ રહી છે. વહેલી સવારથી જ લોકો લાંબી કતારોમાં ઉભા રહેલા જોવા મળ્યા. આજે 30 કેન્દ્રો પર કોવિશિલ્ડ અને 2 કેન્દ્રો પર કો-વેક્સિનની રસી આપવામાં આવશે. દરેક કેન્દ્રો પર 200-200 ડોઝ આપવામાં આવ્યા છે.
દરેક કેન્દ્રો પર વેક્સિન મૂકાવવા આવતા લોકોને ટોકન આપવામાં આવ્યા છે. 200 ટોકન પૂરા થઈ જતા બીજા દિવસે લોકોને આવવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. બીજી તરફ, સાબરકાંઠા જિલ્લામાં આજે રસીકરણ કેન્દ્રોમાં ફરી તાળા લાગેલા જોવા મળ્યા છે. જિલ્લામાં ઠેર ઠેર રસીકરણ માટે બોર્ડ લગાવ્યા છે. હિંમતનગરમાં રસીકરણ કેન્દ્રો પર આવેલા લોકો તાળું જોઈ પરત ફરી રહ્યા છે. તંત્ર દ્વારા રસી લેવા માટે જોરશોરથી જાહેરાતો કરાય છે, પરંતુ રસીના સ્ટોક અંગે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ સ્પષ્ટતા નથી કરાઈ.