રાજયમાં કોરોનાની બીજી લહેર આ વખતે ખુબ જ ઘાતકી જોવા મળી હતી. જેમાં અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા ત્યારે સરકાર દ્વારા ત્રીજી લહેરને કાબુમાં લાવવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત બધા રાજયોમાં મીની લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું.
જે હવે કોરોના કેસ ઘટતા સરકારે ધંધા રોજગારમાં રાહત આપતા નિર્ણય કર્યો. જે અંતર્ગત રાજયની એસટી બસોને નાઈટ કર્ફ્યૂમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે. કોરોનાની આ બીજી લહેરની શરૂઆત થતાંની સાથે જ સરકાર દ્વારા કરફ્યૂ સહિતના પ્રતિબંધો લગાવ્યા હતા. જેના કારણે એસટી વિભાગ દ્વારા પણ નાઈટ કરફ્યૂમાં બસો નહીં દોડાવવાનો નિર્ણય કર્યો હતો.
જોકે હવે કોરોનાની બીજી લહેર ધીમી પડતી જોવા મળી રહી છે ત્યારે રાજ્યમાં ફરીથી એસટી બસ સેવા પૂર્વવત થવા જઈ રહી છે. હાલમાં રાજ્યમાં એસટી બસો 75 ટકાની કેપિસિટી સાથે દોડાવવાની ગાઈડલાઈનમાં મંજૂરી આપવામાં આવી છે.તો બીજી બાજુ નાઈટ કરફ્યૂમાં પણ હવે એસટી બસો દોડશે.
એસટી વિભાગના આ નિર્ણયની અમલવારી આજથી શરૂ થશે. એટલે કે શહેરોમાં નાઈટ કરફ્યૂ દરમિયાન પણ એસટી બસો પ્રવેશી શકશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજ્યમાં 18 શહેરોમાં નાઈટ કરફ્યૂ સહિતના પ્રતિબંધો યથાવત રાખવામાં આવ્યા છે. તેવામાં એસટી વિભાગના આ નિર્ણયથી હજારો મુસાફરોને રાહત મળશે.આ ઉપરાંત અગાઉ એસ.ટી. વિભાગના તમામ કર્મચારીઓને 30 જૂન સુધીમાં વેક્સિન લેવાની સૂચના આપવામાં આવી છે.