ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. રાજ્યમાં અનેક વખત પોલીસે ગેરકાયદે ઘુસાડવામાં આવતા દારૂ અને બૂટલેગરો દ્વારા બેફામ વેચાઈ રહેલા દારૂનો પર્દાફાશ કર્યો છે. હાઈકોર્ટમાં દારૂબંધીના કાયદાને પડકારતી અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. એડવોકેટ જનરલે અરજી સાંભળવાનો હાઇકોર્ટને અધિકાર ન હોવાની રજૂઆત કરી હતી, જે બાદ હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.
આ પહેલાં રાજ્યના એડવોકેટ જનરલે દારૂબંધીના કાયદાને પડકારતી અરજી સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આ અરજીઓ હાઈકોર્ટ સમક્ષ ટકી શકે નહીં એવી રજૂઆત કરી હતી. એડવોકેટ જનરલે નોન-વેજ ખાવાના અધિકારની તુલના નશીલા પદાર્થોના સેવન સાથે ન કરી શકાય એમ રજૂઆત કરી હતી.
ત્રણ વર્ષ પહેલાં એક અરજદારે ખાનગીમાં શરાબના સેવનની મંજૂરી માટે દાદ માગતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતી. ત્યાર બાદ વધુ ચાર અરજદારે ગુજરાત નશાબંધી ધારા અને બોમ્બે ફોરીન લિકર રૂલ્સની વિવિધ સંલગ્ન કલમોને રદબાતલ ઠેરવવા માગણી કરી છે. આમાંના એક અરજદાર સંજય પરીખે બે વર્ષ પહેલાં દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં નશાબંધીના કાયદાને હળવો કરવા સરકારને અપીલ કરવા ઉપરાંત પોતાની અરજીનાં કારણો તથા તર્ક જણાવ્યાં હતાં.
એડવોકેટ કમલ ત્રિવેદીએ કહ્યુ કે, દારૂબંધી અંગેની આ અરજી હાઈકોર્ટમા સાંભવા લાયક નથી અને ટકવા પાત્ર નથી. આ સાથે જ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પણ વાંચવામા આવ્યા હતા. તેમજ કયા ધારાધોરણ મુજબ ગુજરાતમાં દારૂબંધી હતી તે અંગે ચર્ચા કરાઈ હતી. એડવોકેટ જનરલે સુનાવણી દરમિયાન કહ્યું કે, રાજ્ય મહાત્મા ગાંધીના સિદ્ધાંતો માટે કટિબદ્ધ છે અને દારૂ પીવાના જોખમને નાબૂદ કરવા માટે નિશ્ચિતપણે ઇરાદો રાખે છે. ગઈકાલે રાજ્યમાં દારૂબંધી અંગે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણીમાં અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ઘરમાં વ્યક્તિ શું ખાશે શું પીશે તે સરકાર નક્કી ન કરી શકે.
દારૂની છૂટ હોય તેવા રાજ્યમાથી દારૂ પીને આવતા લોકો સામે કાર્યવાહી ન થવી જોઈએ. દારૂ પીને આવેલા અન્ય રાજ્યના લોકો સામે કાર્યવાહી કરવી અયોગ્ય છે. ઘરમાં લોકો દારૂ પી શકે છે, તેમાં પોલીસ કાર્યવાહી ન કરી શકે. ગુજરાતમાં દારૂ પર રોક હોવાથી રાજ્યમાં દારૂ પીને આવતા લોકો સામે કાર્યવાહી થાય છે.
એડવોકેટ જનરલે દારૂબંધીના કાયદાને પડકારતી અરજીની સુનાવણીમાં રજૂઆત કરી હતી કે રાજ્યમાં 6.75 કરોડની વસતિમાં માત્ર 21 હજાર લોકોને જ હેલ્થ પરમિટ આપવામાં આવી છે. વિઝિટર અને ટૂરિસ્ટ પરમિટ જેવી ટેમ્પરરી પરમિટ થઈને પણ રાજ્યમાં દર વર્ષે માત્ર 66 હજાર લોકો પાસે જ પરમિટ ઉપલબ્ધ હોય છે. તેમણે રાજ્યમાં 71 વર્ષથી દારૂબંધીનો કાયદો અમલમાં હોવાની પણ રજૂઆત કરી હતી.
એ ઉપરાંત મહાત્મા ગાંધીનાં અહિંસા અને નશામુક્તિનાં સૂત્રોને સાર્થક કરવાનો પ્રયાસ છે એવી પણ રજૂઆત કરાઈ હતી. તેમણે કોર્ટમાં જણાવ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી યોગ્ય, દારૂબંધીના કાયદાનો ભંગ કરીને વ્યક્તિ પોતાના ઘરે બેસીને દારૂ પીવે એ પણ ચલાવી લેવાય નહીં.