કંગના રનૌતનો પાસપોર્ટ 15 સપ્ટેમ્બરના રોજ એક્સપાયર થઈ રહ્યો છે. જ્યારે તેણે પાસપોર્ટ અથોરિટીને રિન્યૂ કરવા માટેની અરજી કરી તો વિભાગે તેના વિરુદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો દેશદ્રોહના કેસનું કારણ આપીને પાસપોર્ટ રિન્યૂ કરવામાં વાંધો ઊભો કર્યો હતો. આના વિરોધમાં કંગના બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે આ કેસની ઝડપથી સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. જસ્ટિસ પી બી વરાલે તથા એસપી તાવડેની બેંચે આ અરજી પર સુનાવણી કરી હતી. બેંચે કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીને કહ્યું હતું, ‘કોણ સક્ષમ અધિકારી છે, જેને તમને ના પાડી દીધી ? તમે ભારતીય પાસપોર્ટ પ્રાધિકરણને એક પક્ષ બનાવ્યા વગર તેના વિરુદ્ધ નિર્દેશની માગણી કરો છો ? આ બધું જ મૌખિક છે.
પાસપોર્ટ રિન્યૂ કરવો પાસપોર્ટ અધિકારીનો વ્યવસાય છે, PSI નો નહીં. એક પોલીસ સ્ટેશનને અરજી કરવામાં આવી હતી અને તમે તેના વિરુદ્ધ કોર્ટમાં આવી ગયા.’કંગનાના વકીલે કહ્યું હતું કે જ્યારે કંગના પોતાનું પાસપોર્ટ નવીનીકરણનું ફોર્મ ભરવા ગઈ હતી, તો તેને કહેવામાં આવ્યું હતું કે દેશદ્રોહની FIR એક સમસ્યા થશે. બેંચે એમ કહ્યું હતું કે તે કોઈ પણ પક્ષની મૌખિક રજૂઆતના આધારે કોઈ આદેશ જાહેર કરી શકે નહીં. આ પહેલાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કંગનાએ 15 જૂનથી ઓગસ્ટ સુધી પોતાની ફિલ્મ ‘ધાકડ’નું શૂટિંગ વિદેશમાં કરવાનું હોવાની વાત કરી હતી. જ્યારે કોર્ટ એક અઠવાડિયા પછીની સુનાવણીની તારીખ આપી તો કંગનાના વકીલે સુનાવણીની તારીખ જલ્દી આપવાની માંગણી કરી હતી. તો બેંચે એમ કહ્યું હતું કે આ માત્ર ફિલ્મ છે.
શિડ્યૂઅલ બદલી શકાય છે અને આમ પણ અરજી અસ્પષ્ટ છે. જો તે ઈચ્છે છે તો કોર્ટમાં એડવાન્સમાં તમામ માહિતી સાથે સંપર્ક કરે. આ માત્ર અઠવાડિયાની વાત છે. ફિલ્મ પ્રોડક્શન એક વર્ષ પછી શૂટ કરી શકાય છે. 25 જૂન સૌથી નજીકની ડેટ છે. ઓક્ટોબર 2020માં કર્ણાટક હાઈકોર્ટે એક કેસનો ચુકાદો આપતા કહ્યું હતું કે પાસપોર્ટ એક્ટની કલમ 6 (2) (F) હેઠશ પાસપોર્ટ અધિકારી તે વ્યક્તિને નવો પાસપોર્ટ આપવાની ના પાડી શકે છે, જેના વિરુદ્ધ ભારતમાં ક્રિમિનલ કેસ છે, પરંતુ તે આ કલમ તે કેસમાં લાગુ નહીં પડી જ્યાં અરજીકર્તા પોતાનો પાસપોર્ટ રિન્યૂ કરવાની માગણી કરે છે. જો કંગનાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી ના કરી હોત તો પણ આ નિયમ હેઠળ તેનો પાસપોર્ટ રિન્યૂ થઈ જાત. કોર્ટે કંગનાના વકીલને અરજીમાં ફેરફાર કરવાનું કહ્યું અને પાસપોર્ટ અધિકારીને પાર્ટી બનાવવાનું કહ્યું છે. કંગનાની બહેનનું નામ અરજીમાંથી હટાવવાનું પણ કહેવામાં આવ્યું છે.