નોકરીના બદલે જમીન કૌભાંડમાં સી.બી.આઇ. એ રેલવેમાં ગ્રૃપ ડીમાં ફરજ બજાવતા ૫૦ કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવ્યાં છે. આ કર્મચારીઓ મધ્યપૂર્વ રેલવે અને નાલંદા તેમજ અંબાલા ડિવિઝનમાં ફરજ બજાવે છે. સી.બી.આઇ.ના અધિકારી વિજયકુમારે સોનપુર ડિવિઝનના સિનિયર કોચીંગ ડેપો ઇન્ચાર્જને પત્ર લખીને આ કર્મચારીઓ ૨૧ અને ૨૫ નવેમ્બરે યોગ્ય દસ્તાવેજ સાથે દિલ્હી સી.બી.આઇ. હેડક્વાર્ટર આવી શકે તે માટે મંજૂરી આપવા જણાવવામાં આવ્યું છે.
સોનપુરના જે નવ કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં છે તેઓ મિકેનિકલ ડીપાર્ટમેન્ટમાં કામ કરે છે. જ્યારે એક કર્મચારી બરોની જંકશનમાં ફરજ બજાવે છે. આ કૌભાંડમાં એકે ઇન્ફોસિસ્ટમ્સ નામની કંપની દ્વારા લોકો પાસેથી નોકરીના બદલામા જમીન લખાવી લેવામાં આવી હતી, આ આરોપ અંગે સી.બી.આઇ. અને ઇડી સાથે મળીને તપાસ કરી રહી છે. આ જમીન નોકરી વાંચ્છુકો પાસેથી ખૂબજ સસ્તા ભાવે લેવામાં આવી હતી. સી.બી.આઇ. એ આ કર્મચારીઓને કહ્યું છે કે તેઓ પૂછપરછ માટે પોતાનું શૌક્ષણીક અને રહેણાકના દસ્તાવેજ સાથે આવે. આ ઉપરાંત કેરેકટર સર્ટિફિકેટ, આધારકાર્ડ, પાનકાર્ડ, વિભાગનું ઓળખપત્ર સાથે લાવે.
સી.બી.આઇ.એ અંબાલા રેલ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસરને પત્ર લખીને કહ્યું છે કે તેઓ તેમના ૧૧ રોજમદાર કર્મચારીઓને પૂછપરછ માટે આવવાની પરવાનગી આપે. તાજેતરમા ઇડીએ અમિત કાત્યાલની ધરપકડ કરી હતી. કાત્યાલની ૧૧ નવેમ્બરે નોકરીના બદલામા જમીન કૌભાંડ અને મનીલોન્ડ્રિગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ઇડીએ જણાવ્યું હતું કે આ કંપનીનું એડ્રેસ ડી-૧૦૮૮ ન્યું ફ્રેન્ડસ કોલોની નવીદિલ્હીના નામે રજીસ્ટર્ડ હતું. આ રહેઠાણ લાલુપ્રસાદ યાદવ અને તેના પરિવારથી જોડાયેલ છે.
ઇડીએ જણાવ્યું હતું કે આ કંપનીએ ઘણી જમીનો લીધી છે. આ કામ લાલુપ્રસાદ યાદવ તરફથી લોકોને નોકરીઓ આપવાના બદલામાં કરવામાં આવ્યું હતું. લાલુપ્રસાદ રેલમંત્રી હતા ત્યારે આ કૌભાંડમાં તેજસ્વી યાદવ, મીસા યાદવ, સહિત અનેક લોકોના નામ સામેલ છે. વર્ષ ૨૦૦૪ થી ૨૦૦૯ દરમિયાન આ ગોટાળામાં ઇડીએ લાલુપ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ સહિત અનેક લોકોની પુછપરછ કરી હતી.