ગુજરાત સરકાર દ્વારા થોડા દિવસો પહેલા જ રાજ્યભરના ફિક્સ-પેના કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કર્યો હતો તે સમયે એસટી નિગમના ફિક્સ-પેના કર્મચારીઓનો સમાવેશ તેમા કરવામાં આવ્યો ન હતો ત્યારે હવે સરકારે એસટી નિગમના ફિક્સ-પેના કર્મચારીઓનો સમાવેશ કરીને તેમના પગારમાં 30 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે.
ગુજરાત સરકારના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ 30 ટકા પગાર વધારાની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે જ એસટી નિગમનના ફિક્સ કર્મચારીઓ માટે દિવાળી પહેલા જ ખુશખબર આવી હતી. રાજ્યના સરકારના આ નિર્ણયથી એસટી નિગમના 7 હજાર ફિક્સ પે કર્મચારીઓને લાભ મળશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ એસ.ટી યુનિયન સાથે બેઠક યોજીને પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આજે એસ.ટી વિભાગના વિવિધ યુનિયન અને વાહન વ્યવહાર મંત્રી વચ્ચે એક બેઠક યોજાઇ હતી. જેમાં યુનિયનના હોદ્દેદારો તેમજ નિગમમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ ઉપરાંત એસ.ટી નિગમના અધિકારીઓ જોડાયા હતા. આ નિર્ણયને આવકારીને એસ.ટી નિગમના વિવિધ યુનિયનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ દ્વારા વાહન વ્યવહાર મંત્રીનું અભિવાદન કર્યું હતું.