ગત તા.૧૬ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન મધ્યપ્રદેશમાં આવેલા નર્મદા નદીના જળસ્ત્રોત વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેને પગલે રાજ્યમાં સરદાર સરોવર યોજનાનો ડેમ છલોછલ ભરાઈ જવાથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેથી, મોટા પ્રમાણમાં નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ખેડૂતોને નુકસાન થયું હતું.
રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પૂરગ્રસ્ત ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના ખેડૂતોને આ નુકસાનની ભરપાઈ કરવા બદલ ઉદાર હાથે સહાય આપવાનો ઉમદા નિર્ણય લીધો છે. સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મળેલા અહેવાલોના આધારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
કેબિનેટ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક ડબલ થાય તેમજ તેમને કોઈ મુશ્કેલી ના પડે તે માટે સતત પ્રયત્નો કરે છે. પ્રધાનમંત્રી ખેડૂતોના સતત હિતેચ્છુ રહયા છે. તેમના સુચારુ માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખેડૂતો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાં, અતિવૃષ્ટિ અંગે સહાય, પૂર અંગે સહાય, માવઠા, બિપરજોય વાવાઝોડા દરમિયાન વિશેષ સહાય અને સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.
‘નર્મદા પૂર રાહત આર્થિક સહાય પેકેજ’ માં કઈ-કઈ રીતે સહાય મળશે?
આ પેકેજ હેઠળ બિનખેત પાકોને બે હપ્તાની મર્યાદામાં હેકટર દીઠ રૂ. ૮૫૦૦ ની સહાય, પિયત પાકો માટે ૨(બે) હેક્ટરની મર્યાદામાં રૂ. ૨૫,૦૦૦ ની સહાય અને બહુવર્ષાયી પિયત પાકો જેવા કે, બગીચાઓ માટે હેકટર દીઠ રૂ. ૩૭,૫૦૦ ની સહાય જાહેર કરવામાં આવી છે. જે વિસ્તારોમાં ૩૩ % થી વધુ પ્રમાણમાં બાગાયતી વૃક્ષો નાશ પામ્યા હોય, કે પડી ગયા હોય તે વિસ્તારોમાં બાગાયતી વૃક્ષો માટે હેકટર દીઠ રૂ. ૧, ૨૫,૦૦૦ ની સહાય જાહેર કરવામાં આવી છે. આ તમામ સહાય ખેડૂતોને ૨(બે) હેકટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. તેમ કૃષિમંત્રીએ અંતમાં જણાવ્યું હતું.