લોકસભાની ચૂંટણી પહેલા નર્મદા જિલ્લા કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવાએ પાર્ટીથી અલગ થઈને કેસરિયો ધારણ કર્યો છે. પોતાના 50 જેટલા કાર્યકર્તાઓ સાથે હરેશ વસાવાએ સુરતના અંબાનગર ખાતે આવેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષની ઓફિસે સી.આર. પાટીલના હસ્તે ભગવો ધારણ કર્યો છે. હરેશ વસાવાએ કહ્યું કે સી.આર. પટીલના પ્રબળ નેતૃત્વ અને વિકાસયાત્રાથી પ્રભાવિત થઈને તેમણે આ નિર્ણય કર્યો છે.
જણાવી દઈએ કે હરેશ વસાવા નર્મદા જિલ્લાના નાદોડ બેઠક પરથી વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. ત્યારે હવે તેમણે પોતાના 150 જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપનો હાથ ઝીલ્યો છે. તેમણે સુરતના અંબાનગર ખાતે આવેલી ભાજપ પ્રદેશ અધ્યક્ષની ઓફિસમાં સી.આર.પાટીલની હાજરીમાં ભગવો ધારણ કર્યો છે. હરેશ વસાવાના પક્ષપલટાના કારણે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે.
ભાજપની વિકાસયાત્રાથી પ્રભાવિત થયા
મીડિયા અહેવાલ અનુસાર, હરેશ વસાવાએ ભગવો ધારણ કરતા કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશના વિકાસ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા આ વિકાસ યાત્રાને છેવાડા ગામ સુધી પહોંચાડવાના લક્ષ્યથી પ્રભાવિત થઈને તેમણે ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે. દેશના ઉત્થાન માટે ભાજપની યોજનાઓ, વિકાસશૈલી અને દૂરદર્શિતાને જોઈને જ તેઓ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા છે.