ગુજરાતમાં જુલાઈ સુધી સારો વરસાદ વરસ્યા બાદ આખો ઓગસ્ટ મહિનો કોરો ધાકોર ગયો છે. ત્યારબાદ સપ્ટેમ્બરમાં પણ શરૂઆતના પાંચ દિવસમાં વરસાદની કોઈ જ આગાહી નહીં હોવાથી ખેડૂતો ચિંતિત થયાં છે. પરંતુ હવે ફરીવાર ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ શરૂ થયો છે. આજે વહેલી સવારથી નવસારી, ડાંગ, ગોધરા અને સાપુતારા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને પંચમહાલ, દાહોદ, ગોધરા, નવસારી, ડાંગ, સાપુતારા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
રાજ્યમાં પાંચમી સપ્ટેમ્બર સુધીમાં 81.85 ટકા વરસાદ નોંધાયો છે. આટલો વરસાદ હોવા છતાં રાજ્યના 21 જિલ્લામાં 91 ટકાથી વધુ વરસાદની ઘટ છે. જૂન-જુલાઇમાં સાડા 27 ઇંચ વરસાદે છેલ્લાં 96 વર્ષનો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ સર્જ્યો હતો. પરંતુ ઓગસ્ટમાં વરસાદ રોકાઈ જવાથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતાં. રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં સરેરાશ 9 ઇંચ વરસાદ થવો જોઇએ તેની સામે માત્ર દોઢ ઇંચ વરસાદ થતાં 89% વરસાદની ઘટ પડી છે. પોરબંદરમાં 99% ઓછા વરસાદ સાથે રાજ્યનો સૌથી વધુ ઘટ ધરાવતો જિલ્લો રહ્યો છે. રાજ્યમાં કચ્છમાં 136.19, ઉત્તર ગુજરાતમાં 67.96, મધ્ય ગુજરાતમા 66.19, સૌરાષ્ટ્રમાં 110.12, દક્ષિણ ગુજરાતમાં 73.74 ટકા વરસાદ થયો છે.
સરદાર સરોવર સહિત રાજ્યનાં 207 જળાશયોમાં ઓગસ્ટના અંતે કુલ 76.60% જળસંગ્રહ થયો છે. તે પૈકી 70.72% પાણીનો જથ્થો ઉપયોગમાં લઇ શકાય તેમ છે. અન્ય ઝોનના ડેમની સ્થિતિની વાત કરીએ તો હાલ ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 74.27%, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 45.36%, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 76.33%, કચ્છના 20 ડેમમાં 62.37%, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 81.93% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે સરદાર સરોવરમાં હાલ 84.05% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હવે ડેમની વોર્નિંગની વાત કરીએ તો હાલ રાજ્યમાં 90 ટકાથી વધુ ભરાયેલા 90 ડેમ હાઈએલર્ટ પર છે. જ્યારે 80 ટરાથી વધુ ભરાયેલા 25 ડેમ એલર્ટ પર છે. 70 ટકાથી વધુ ભરાયેલા 17 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 74 ડેમમાં 70 ટકા કરતાં ઓછું પાણી છે.