ગુજરાતના પૂર્વ પટ્ટા પર વસ્તા આદિવાસી ખેડૂતોને બંદૂકનું લાયસન્સ આપવું જોઈએ તે પ્રકારની માંગ ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા એ કરી છે, છોટુભાઈ વસાવા એ સોશિયલ મીડિયા થકી આ માંગ સરકાર સમક્ષ મૂકી છે જેમાં તેઓએ ગત રોજ બનેલ નેત્રંગના વણખૂંટા ગામમાં દીપડાના હુમલામાં બાળકનાં મોતનો ઉલ્લેખ કર્યો છે.
પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા એ લખેલી પોસ્ટમાં તેઓએ જણાવ્યું હતું કે “નેત્રંગ તાલુકાના વણખૂટા ગામ ખાતે દીપડા દ્વારા 9 વર્ષના બાળક પર કરેલ હુમલામાં બાળકનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું જે દુઃખદ ઘટના છે. ગુજરાતની સમગ્ર પૂર્વપટ્ટીમાં આદિવાસી ખેડૂતોને બંદુકનું લાયસન્સ આપવું જોઈએ જેથી દિપડાઓથી આદિવાસી ખેડૂત પોતાનું અને પરિવારનું રક્ષણ કરી શકે.”આમ તેઓએ પોતાની માંગ રજૂ કરી હતી.
અત્રે ઉલ્લેખ નિય છે કે ગુજરાતના પૂર્વ પટ્ટા પર અનેક ગ્રામ્ય વિસ્તારો આદિવાસી સમાજની વસ્તી ધરાવે છે, ખાસ કરી ભરૂચ જિલ્લાના વાલિયા, ઝઘડિયા, નેત્રંગ નર્મદા સહિતના આસપાસમાં લાખો આદિવાસીઓ વસવાટ કરે છે અને ખેતી કરી ગુજરાન ચલાવે છે, ભરૂચના પૂર્વ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારમાં વન્ય પ્રાણી દીપડાની સંખ્યાઓ પણ વધુ જોવા મળે છે તેવામાં હવે વન્ય પ્રાણી શિકારની શોધમાં માનવ વસ્તી તરફ પ્રયાણ કરી હુમલાઓ કરી રહ્યા છે, જે બાદ હવે તેઓથી રક્ષણ માટેની માંગ પણ કરવામાં આવી છે.