ઘણા વર્ષો પછી એક જ વર્ષમાં માંડવીમાં લોગરહેડ દરિયાઈ કાચબો બીજી વાર નીકળ્યાનો રેકર્ડ થયો છે. ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળતો એવો વિશાળ લોગરહેડ દરિયાઈ કાચબાની સારવાર બાદ ફરી તેને છોડવામાં આવ્યો હતો.
માંડવી નોર્મલ રેન્જ હસ્તકના વિસ્તારમાં દરિયા કિનારેથી ભાગ્યે જ જોવા મળતો એવો દુર્લભ તથા વાઇલ્ડલાઈફ પ્રોટેક્સન એક્ટ-૧૯૭૨ અંતર્ગત અનુસૂચી-૧ નું અસ્તિત્વ ધરાવતો લોગરહેડ પ્રજાતિનો દરિયાઈ કાચબો બીમાર હાલતમાં દરિયાની બહાર નીકળ્યો હોવાના સમાચાર મળતા જ તુરંત જ માંડવી નોર્મલ રેન્જની વન વિભાગની ટીમ દ્વારા કાચબાને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ નાયબ વન સંરક્ષક યુવરાજસિહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ માંડવી નોર્મલ વનવિભાગની ટીમ દ્વારા સતત ૫ દિવસ સુધી કાચબાની સારસંભાળ તથા જરૂરી તમામ તબીબી સારવાર કરાવાઈ હતી. રોજે રોજ કાચબાની યોગ્ય સારવાર થતા કાચબાની હાલત તંદુરસ્ત જણાતા કાચબાને તેના કુદરતી નિવાસ્થાન દરિયામાં સુરક્ષિત રીતે વન વિભાગ દ્વારા છોડાયો હતો.
ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળતો એવો લોગરહેડ દરિયાઈ કાચબો એક જ વર્ષમાં માંડવીના દરિયાકિનારે સતત બીજીવાર નીકળ્યો છે અને બન્ને વાર વન વિભાગ દ્વારા જરૂરી સારવાર કરાવી સ્વસ્થ હાલતમાં સુરક્ષિત રીતે દરિયામાં પાછો રીલીઝ કરાયા છે.