ગુજરાતમાં હથિયારોની હેરાફેરીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. રાજ્યમાં જમ્મુ કાશ્મીરથી હથિયારો ઘૂસાડવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કેસમાં આસામ રાઈફલ્સના નિવૃત્ત જવાન સહિત બે લોકોની ધરપકડ કરાઈ છે. નિવૃત જવાન પ્રતીક ચૌધરી જમ્મુથી હથિયાર લાવી ગુજરાતમાં વેચતો હતો. તેણે છેલ્લા પાંચ મહિનામાં 10 થી વધુ હથિયાર વેચ્યા હોવાની કબૂલાત કરી છે. નિવૃત જવાન પ્રતીક જમ્મુથી 4 લાખમાં હથિયાર લાવીને 12થી 16 લાખ રૂપિયામાં વેચી ચુક્યો છે. તેની સાથે પકડાયેલ આરોપી બિપિન હથિયાર ખરીદવા માટે ગ્રાહકો લાવતો હતો. નિવૃત જવાન પ્રતીક ચૌધરી આસામ રાઇફલસમાં અગાઉ ફરજ બજાવી ચુક્યો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે જમ્મુ કાશ્મીરથી નિવૃત્ત આર્મી જવાનના લાઈસન્સ ઉપર પિસ્ટલ અને રિવોલ્વર ખરીદીને અમદાવાદમાં વેચવાનું કૌભાંડ સોલા પોલીસે પકડી પાડ્યું છે. આરોપીને કમીશન પેટે 4 લાખ રૂપિયા મળતા હતા. પોલીસે માહિતીના આધારે ઓગણજ સર્કલ પાસેથી પસાર થઈ રહેલા પ્રતિક ઈશ્વરભાઈ ચૌધરીને પકડ્યો હતો. તેની પાસે હથિયારનું લાઈસન્સ નહીં હોવાથી પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી પૂછપરછ કરી હતી. જેમાં તેણે અનેક ખુલાસા કર્યા હતા. એ આસામમાં આર્મીમાં ફરજ બજાવતો હતો. ત્યારે તેની સાથે રસપાલકુમાર ફૌઝી ફરજ બજાવતો હતો. બંને નિવૃત થયા બાદ જમ્મુ કાશ્મીરના ગન હાઉસના માલિક મહીન્દર કોતવાલ પાસેથી હથિયાર લાવતા હતા. પોલીસે આરોપી પાસેથી 10 રિવોલ્વર, 1 પિસ્તોલ, 142 કારતુસ, અને લાયસન્સ કબજે કર્યા છે.
રિવોલ્વર અને પિસ્તોલ જેવા હથિયારો ગેરકાયદે વેચવાના ગુનામાં તપાસ કરતા હકીકત સામે આવી કે આ હથિયારો સાત લાખથી 25 લાખ સુધીમાં વેચાયા છે. જેમાં ખરીદનાર ભાવેશ ટેવાણી, અનિલ વાઘેલા, નબી જાદવ, નવસાદભાઈ મલેક, સચિન ઠાકોર અને સુભાષજી ઠાકોર ની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓ વેપારી જમીનની લે વેચ કરનારા દલાલો ઉપરાંત શેલા ગ્રામ પંચાયતના ભાજપના સરપંચના પતિ નવસાદ મલેક અને ચાંગોદર બેઠકના જિલ્લા પંચાયતના ભાજપ ના સભ્ય જનક ઠાકોરના પતિ સચિન ઠાકોરની પણ ધરપકડ કરવામાં આવી છે.ગેરકાયદે હથિયારના વેચાણનું એપી સેન્ટર જમ્મુ કાશ્મીર હોવાથી સોલા પોલીસની એક ટીમ તપાસ માટે કાશ્મીર જશે અને જે કલેક્ટરના નામનો સહી અને સિક્કો કરવામાં આવ્યો હતો તેમની પૂછપરછ થશે સાથે જ આ કેસના ફરાર આરોપી રસપાલ ફોજી અને મોહેનદર કોટવાલની ધરપકડ માટે કાર્યવાહી કરવામાં આવશે.
ડીસીપી ઝોન 1 લવિના સિન્હાએ જણાવ્યું હતું કે, પોલીસની તપાસમાં હકીકત સામે આવી કે આ ગુનાનો આરોપી જતીન પટેલ સિક્યુરિટી નું કામ કરે છે અને રીટાયર્ડ આર્મીમેનનું એક ગ્રુપ ચલાવી જે નિવૃત્ત અધિકારીઓના લાઇસન્સ રીન્યુ માટે મેળવી લેતા હતાં. જે નિવૃત્ત આર્મી મેન પાસે એક જ હથિયાર હોય તેમના નામે બીજું હથિયાર મેળવી લેતા અને તે લાયસન્સ નો ઉપયોગ કરી નવા હથિયારનું ડુપ્લીકેટ લાયસન્સ બનાવી તેને વેચી દેવામાં આવતું હતું. જે ગુનામાં પોલીસે તમામ નવ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ત્રણ આરોપીઓના નવ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.