ગુજરાત રાજ્ય અંદાજે 1103 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલું મેન્ગ્રૂવ કવર ધરાવે છે. સમયાંતરે રાજ્ય સરકારના પ્રયાસોને પરિણામે રાજ્યના મેન્ગ્રૂવ કવરમાં સુધારો થયો છે.
ગુજરાત રાજ્યની વસ્તીનો મોટાભાગનો હિસ્સો દરિયાકાંઠાની ઈકોસિસ્ટમ ઉપર આધારિત છે. રાજ્યના ટકાઉ વિકાસ માટે મેન્ગ્રૂવ ઇકોસિસ્ટમને સાચવી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેન્ગ્રૂવ જંગલો અને દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ માટે રાજ્ય સરકારે સમયાનુસાર જરૂરી યોજનાઓ બનાવી તેનો યોગ્ય અમલ કર્યો છે. જેના ભાગરૂપે રાજ્યના મેન્ગ્રૂવ સંરક્ષણને લગતા કાર્યોના વિશ્વ અને રાષ્ટ્રીય સ્તરે વખાણ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં કચ્છ, કચ્છનો અખાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેન્ગ્રૂવ કવર વિસ્તરેલું છે.
ગુજરાત રાજ્યમાં મેન્ગ્રૂવ જંગલોમાં મેન્ગ્રૂવની 15 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. આ પ્રજાતિઓમાં એવીસેનિયા મરીના એ સૌથી વધુ પ્રભાવશાળી પ્રજાતિ છે, જે રાજ્યના મેન્ગ્રૂવ કવરનો લગભગ 97% જેટલો ભાગ આવરી લે છે. મેન્ગ્રૂવની પ્રજાતિઓ ઉપરાંત, રાજ્યમાંથી મેન્ગ્રૂવ એસોસિએટ્સની 100 થી વધુ પ્રજાતિઓ નોંધવામાં આવી છે.
મેન્ગ્રૂવ સંરક્ષણ માટેના ઉપાયો
વિવિધ પ્રકારે સંરક્ષણ આપતા મેન્ગ્રૂવ વિસ્તારનું રક્ષણ કરવા માટે મેન્ગ્રૂવના નિવાસી સ્થાનોનું નિયમિત રીતે પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરવું જોઈએ.
આ વિસ્તારોમાં પ્રદૂષણ ના ફેલાય તથા કોઈપણ જાતની અનિચ્છનીય પ્રવૃત્તિ ન થાય તેનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ.
મેન્ગ્રૂવ વસવાટોનો વિકાસ થાય, સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં દરિયાકાંઠાના કલ્પવૃક્ષ એવા મેન્ગ્રૂવ જંગલોના સંરક્ષણ માટે જાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ
અન્ય ક્ષેત્રોમાં મેન્ગ્રૂવ ઉપર નિર્ભરતા ઘટાડી તેના સંશોધનને પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી મેન્ગ્રૂવ ઇકોસિસ્ટમનો વિકાસ થઈ શકે.