ડ્રોન ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કૃષિ ક્ષેત્રે ખાતર-જંતુનાશકોના છંટકાવ, ટ્રાફિક મેનેજમેન્ટ, જમીન સર્વે તથા આરોગ્ય સેવામાં લોહી કે માનવ અંગોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા તેમજ ઈ-કોમર્સ ક્ષેત્રે થઇ શકે તેમ છે. ગુજરાતના યુવાનો ડ્રોન જેવી અદ્યતન ટેકનોલોજી ક્ષેત્રે તાલીમ મેળવી શકે તેમજ ઔદ્યોગિક એકમોની ડ્રોનના કુશળ માનવબળની માંગને પૂરી કરવાના નેક ઉદ્દેશથી ગત વર્ષે કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી અંતર્ગત સ્કૂલ ઓફ ડ્રોનની સ્થાપના કરાઈ હતી.
ભારત સરકારના ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન (DGCA) વિભાગ દ્વારા ડ્રોન પાયલટ ટ્રેનિંગ સેન્ટર માટેની કડક મંજૂરી પ્રક્રીયા પૂર્ણ કર્યા બાદ ‘સ્કૂલ ઓફ ડ્રોન’ને વર્ષ ૨૦૨૨માં DGCA માન્ય ડ્રોન પાયલટ ટ્રેનિંગ સેંટર તરીકેની માન્યતા પ્રાપ્ત થઇ હતી. કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી આ પ્રકારની મંજૂરી મેળવનાર સમગ્ર દેશમાં રાજ્યશાસિત પ્રથમ યુનિવર્સિટી છે.
ડ્રોન ક્ષેત્રે તાલીમબદ્ધ ડ્રોન પાયલટની માંગને પહોંચી વળવા સ્કૂલ ઓફ ડ્રોન ખાતે ડ્રોન પાયલટનો અભ્યાસક્રમ કાર્યરત છે. હાલમાં દેશમાં ફક્ત ૨૫ જેટલી ખાનગી સંસ્થાઓ દ્વારા ડ્રોન માટે આ પ્રકારની તાલીમ આપવામાં આવે છે, જેના માટે સંસ્થાઓ દ્વારા મસમોટી ફી વસૂલવામાં આવે છે. જેની સામે KSU હેઠળની સ્કૂલ ઓફ ડ્રોનમાં માત્ર ૧૫ હજાર રૂપિયા જેટલી સામાન્ય ફીમાં જ ડ્રોન પાયલટની તાલીમ આપી યુવાનોનું કૌશલ્ય વર્ધન કરવામાં આવે છે.
KSU એ આગોતરું આયોજન હાથધરીને સ્કૂલ ઓફ ડ્રોનમાં ડ્રોન સિમ્યુલેટર સહિત આવશ્યક લેબોરેટરી વિકસાવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યની ૪૫ જેટલી આઈ.ટી.આઈ.ના એક-એક ઇન્સ્ટ્રક્ટરને ડ્રોન માસ્ટર પાયલટ ટ્રેનર તરીકે તાલીમ આપી તૈયાર કરવામાં આવ્યા છે. જેના પરિણામે આજે લગભગ એક હજાર જેટલા તાલીમાર્થી DGCA અધિકૃત ડ્રોન પાઇલટ કોર્સમાં જોડાયા છે, જ્યારે સ્કૂલ ઓફ ડ્રોન હેઠળની જ ૨૨ જેટલી આઈ.ટી.આઈ.માં ૪૭૦ જેટલા તાલીમાર્થીને ડ્રોન મેન્યુફેક્ચરીંગ અને એસેમ્બલીંગના સર્ટીફીકેટ કોર્સ અંતર્ગત તાલીમ આપી તૈયાર કરવામાં આવ્યા છે.