ગુજરાતમાં બુલેટ ટ્રેનની કામગિરી શરૂઆતમાં ધીમી ગતિએ ચાલ્યા બાદ હવે રોકેટ ગતિએ ચાલી રહીી છે. ગુજરાતમાં બુલેટ ટ્રેન પરના એક પછી એક બ્રિજનું કામ ઝડપી ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તરીકે જાણીતા મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પરનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. 24 બ્રિજમાંથી ચારનું છેલ્લા છ મહિનામાં નિર્માણ કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં આ ચારમાંથી ત્રણ બ્રિજ એક મહિનામાં બાંધવામાં આવ્યા છે, જે હાઇ સ્પીડ રૂટ પર બીલીમોરા અને સુરત સ્ટેશન વચ્ચે આવેલા છે આ કોરિડોર પર 24 નદી પરના પુલ છે, જેમાંથી 20 ગુજરાતમાં છે અને બાકીના 4 પુલ મહારાષ્ટ્રમાં છે.
ગુજરાતમાં વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી એવા આઠ હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશનો પર નિર્માણ કાર્ય વિવિધ તબક્કામાં ચાલી રહ્યું છે. NHSRCL નું કહેવું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 2026 માં શરૂ થવાની સંભાવના છે.
ભારતીય રેલ્વેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની NHSRCL નું કહેવું છે કે પહેલો પુલ પૂર્ણા નદી પર, બીજો મિંધોલા નદી પર અને ત્રીજો પુલ અંબિકા નદી પર બનાવવામાં આવ્યો છે. ગુજરાતનો સૌથી લાંબો નદીનો પુલ 1.2 કિમીનો છે અને તે નર્મદા નદી પર બનાવવામાં આવી રહ્યો છે જ્યારે આ કોરિડોરનો સૌથી લાંબો નદી પુલ મહારાષ્ટ્રમાં 2.28 કિમીનો છે, જે વૈતરણા નદી પર બની રહ્યો છે. પૂર્ણા નદી પરનો પુલ 360 મીટર લાંબો છે. આ પુલનો પાયો નાખવાનું કામ પણ ખૂબ જ પડકારજનક હતું કારણ કે ઊંચી ભરતી વખતે નદીમાં પાણીનું સ્તર પાંચથી છ મીટર સુધી વધતું હતું. આ સ્થિતિ વચ્ચે કામગિરી કરવામાં આવી રહી છે.