ગુજરાતના માથે મહા વિનાશક બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબ સાગરમાં સર્જાયેલ આ વાવાઝોડુ હવે દ્વારકાથી 290 અને પોરબંદરથી 300 કિ.મી દૂર છે. આ વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ભાવનગરમાં ઘોઘા-હજીરા રોરો ફેરી અને અંબાજીમાં રોપ વે સર્વિસ બંધ કરવામાં આવી છે. જે 16 જૂન બાદ રાજ્ય સરકારની મંજુરી બાદ ફરી શરૂ કરવામાં આવશે.
બિપરજોય વાવાઝોડાને પગલે હાલ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાને કારણે ફૂંકાઈ રહેલા પવનથી રોરો ફેરી અને રોપ વે સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લામાં કાંઠા વિસ્તારના 500 લોકોનું સ્થળાંતર કરાયું છું. જોડિયા 124, લાલપુર 100, જોડિયાના 355 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. NDRF ની ટીમે દરિયા કાંઠાનું નિરીક્ષણ કર્યું છે. બિપોરજોય વાવાઝોડાને લઈને ગુજરાતમાં NDRF ની 21, SDRF 13 ટીમ તૈનાત કરાઈ છે. માર્ગ અને મકાન વિભાગની 95 ટીમ સંભવિત વિસ્તારોમાં મોકલાઈ છે. ઊર્જા વિભાગની 577 ટીમો પણ ખડેપગે છે.દ્વારકાના પ્રવાસન સ્થળો પર સહેલાણીઓને ન જવા સૂચના આપવામાં આવી છે. નારાયણ સરોવર અને કોટેશ્વર મંદિર 3 દિવસ યાત્રાળુઓ માટે બંધ કરાયું છે.