અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની શકે છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 320 કિલોમીટર, જ્યારે દ્વારકાથી 360 કિલોમીટર દૂર છે. આ ઉપરાંત નલિયાથી 440 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડુ કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આજે કચ્છમાં દરિયા કિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 320 કિ.મી દૂર છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થળાંતરની શક્યતાઓ હોય ત્યાંથી લોકોને વિવિધ સરકારી બિલ્ડિંગોમાં સ્થળાંતરીત કરવામાં આવશે. હાલમાં સ્થળાંતરની કામગીરી શરૂ કરી દેવાઈ છે. કચ્છ, સુત્રાપાડા, દ્વારકા જિલ્લાઓમાં લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. દરિયા કિનારાના તાલુકાના 25 કિલોમીટરના વિસ્તારમાં લોકોને સ્થળાંતરિત કરવામાં આવશે. તમામ જિલ્લાઓમાં બે NDRF અને SDRF ની ટીમો મુકવામાં આવી છે. જેમાં ખાસ કરીને કચ્છ, મોરબી અને જામનગરમાં વધારે ટીમો મુકવામાં આવી છે. હાલમાં NDRFની 12 ટીમો છે. જેમાં 3 ટીમો કેન્દ્ર પાસેથી મંગાવવામાં આવી છે.
વાવાઝોડાને લઈને વીજતંત્રએ પણ તૈયારીઓ કરી લીધી છે. PGVCLની પણ આગોતરી તૈયારીઓ થઈ ગઈ છે. વીજળીનો કરંટના લાગે તે માટેની પણ તૈયારીઓ કરી દેવાઈ છે. આરોગ્ય વિભાગે પણ આગોતરી તૈયારી કરી લીધી છે. હોસ્પિટલમાં લાઈટો બંધ થઈ જાય તો જનરેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડુ ગયા પછી તાત્કાલિક કામગીરી કરવા માટે માર્ગ મકાન વિભાગને પણ આદેશ આપવામાં આવ્યો છે. તમામ પ્રભારી સચિવ અને પ્રભારી મંત્રીઓ જિલ્લાઓમાં પોહચ્યા છે. કેન્દ્રીય મંત્રીઓ અને કેન્દ્રીય સેક્રેટરી પણ જુદા જુદા જિલ્લામાં જશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં બીપોરજોય વાવાઝોડાની સંભવિત અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓને જવાબદારી સોંપી છે. તેમજ મંત્રીઓને સંબંધિત જિલ્લાઓમાં પહોંચવાની સૂચના પણ આપી છે. કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશપટેલ અને પ્રફુલ પાનસેરીયા, મોરબીમાં કનુ દેસાઈ, રાજકોટમાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુંવરજી બાવળિયા, જામનગરમાં મુળુભાઈ બેરા, દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢમાં જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે.