પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત સ્થાપના દિવસના મહિનામાં અંગદાન ક્ષેત્રે ગુજરાતે ઐતિહાસિક સિદ્ધી હાંસલ કરી છે. ગુજરાતમાં આ મે મહિનામાં કુલ 19 અંગદાન થયા છે જેમાંથી મળેલા 58 અંગોનું સફળતાપુર્વક જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.
કોઇપણ એક મહિનામાં રાજ્યભરમાં થયેલા આ અંગદાનની પ્રવૃતિ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ છે તેમ મંત્રી ઉમેર્યું હતુ. એક મહિનામાં મળેલા 58 અંગોમાં કિડની- 34, લીવર – 18, હ્રદય – 3, ફેફસાની અને હાથની એક-એક જોડ, અને નાના આંતરડાનો સમાવેશ થાય છે.
મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજય સરકારના SOTTO એકમને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે તાજેતરમાં જ મળેલ એવોર્ડ થકી રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા તમામ લોકોને પ્રોત્સાહન મળ્યું છે. આ બહુમાન એ રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિમાં પ્રાણ ફુંક્યો છે.