ચોરી થયેલો અથવા ખોવાયેલો મોબાઈલ સરળતાથી ટ્રેક કરી શકાય તે માટે કેન્દ્ર સરકારે નવી સિસ્ટમ લોન્ચ કરી છે. સરકારે મોબાઈલ ટ્રેકિંગ સિસ્ટમ માટે સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર (CEIR) લોન્ચ કર્યું છે. આ માહિતી ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા અપાઈ છે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, હવે ખોવાયેલો અથવા ચોરી થયેલો ફોન સરળતાથી શોધી શકાશે. આવા પ્રકારની છેતરપિંડીને રોકવા સરકારે નવું પોર્ટલ Sanchar Sathi લોન્ચ કર્યું છે. જો તમારો ફોન ખોવાઈ જાય, તો તુરંત આ વેબસાઈટ પર જઈને તમે ફરિયાદ નોંધાવી શકો છો. ત્યારબાદ તમારો ફોન બ્લોક થઈ જશે. ઉપરાંત જો ચોર તમારું સિમકાર્ડ કાઢી અન્ય સિમકાર્ડ નાખશે તો પણ તમારો ફોન બ્લોક થઈ જશે અને ચોર નવા સિમકાર્ડનો ઉપયોગ નહીં કરી શકે.
જે વ્યક્તિનો મોબાઈલ ખોવાઈ કે ચોરી થઈ ગયેલો છે, તે વ્યક્તિ CEIR દ્વારા તેમનો સ્માર્ટફોન બ્લોક કરાવી શકે છે. મોબાઈલ બ્લોક કરાવ્યા બાદ સરકાર ફોનને ટ્રેક કરે છે અને તે મોબાઈલને શોધવાનો પ્રયાસ કરે છે. સ્માર્ટફોન યુઝર્સ CEIR વેબસાઈટ અથવા KYM (નો યોર મોબાઈલ) એપ દ્વારા ખોવાયેલો મોબાઈલ બ્લોક કરી શકે છે. જ્યારે મોબાઈલ પરત મળી જાય ત્યારે યુઝર્સ તેનો મોબાઈલ અનબ્લોક પણ કરી શકે છે.
મહારાષ્ટ્રના થાણેમાં પોલીસે 1.28 કરોડના 711 મોબાઈલ રિકવર કર્યા છે. આ મોબાઈલો ખોવાયેલા અથવા ચોરાયેલા હતા. પોલીસે રિકવર કરેલા તમામ મોબાઈલો તેના માલિકને સોંપી દીધા છે. પોલીસે CEIR દ્વારા જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન મોબાઈલ રિકવર કર્યા હતા.
CEIR ની સત્તાવાર વેબસાઈટમાં જણાવ્યા મુજબ, આ સિસ્ટમ દ્વારા અત્યાર સુધીમાં 4,79,511 ફોન બ્લોક કરાયા છે, જ્યારે 2,43,404 ફોન ટ્રેક કરવામાં આવ્યા છે, જ્યારે 8,498 ફોન શોધી પણ કઢાયા છે.