દેશમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો થયો છે. ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને નવા કેસોએ છેલ્લા 6 મહિનાનો રેકોર્ડ તોડયો છે. કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા આજે તમામ રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે દેશમાં કોરોના વાયરસની સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરવા માટે બેઠક કરી રહ્યા છે.
ભારતમાં હવે એક દિવસમાં 6 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 6 હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં લગભગ 13 ટકા વધુ છે. આ બેઠકમાં કોરોનાની સ્થિતિ અને રાજ્ય સરકારોની તૈયારીઓ પર ચર્ચા થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. છેલ્લા ચાર અઠવાડિયાથી દેશમાં વધી રહેલા કોરોના કેસના કારણે 21 રાજ્યોના 72 જિલ્લા રેડ એલર્ટ હેઠળ કરવામાં આવ્યા છે. આ જિલ્લાઓમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન 12થી 100 ટકા સેમ્પલ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.