રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં હવેથી ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ભાષામાં શિક્ષણ-અભ્યાસ વિધેયક ગૃહમાં સર્વાનુમતે પસાર થઈ ગયું છે. સુધારા પ્રમાણે ધોરણ-1 અને 2 માં વિધેયક લાગુ રહેશે. જોગવાઈનો ભંગ કરનાર શાળા સંચાલકોને રૂ.2 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. શાળાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ બીલમાં કરવામાં આવી છે.
ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને માતૃભાષા-ગુજરાતી ફરજીયાત ભણાવવામાં આવે છે તે સુનિશ્ચિત કરવા માટે ‘ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક, 2023’ તૈયાર કરવામાં આવ્યુ છે. રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત આપવાની જોગવાઈ આ વિધેયકમાં કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પાઠ્યપુસ્તક ભણાવવાના રહેશે. આ કાયદાની જોગવાઇઓનો ભંગ કરનાર શાળા સંચાલકોને દંડ ફટકારવાની અને આવી પ્રવૃતિના ત્રણ ઉલ્લંઘનના કિસ્સામાં રાજ્યની બિન-સહાયિત શાળાઓને અપાયેલી માન્યતા રદ કરવા જેવા કડક પગલા લેવાની પણ જોગવાઇઓ આ કાયદામાં કરવામાં આવી છે, તેમ શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું.