આગામી તા.૨૬ ફેબુ્રઆરીને રવિવારથી હોળાષ્ટક રહેશે. આ સમયગાળા દરમિયાન તમામ શુભ અને માંગલિક કાર્યો પર નિષેધ રહેશે. રવિવારથી કમુર્હૂતા બેસશે જેથી લગ્ન અને વાસ્તુ પ્રસંગોમાં બ્રેક રહેશે.
ગત તા.૨૬ જાન્યુઆરીએ વસંતપંચમીના વણજોયા શુભમુર્હૂતથી લગ્નસરાની સિઝન શરૂ થઈ હતી. જે હવે આગામી તા.૨૬ ફેબુ્રઆરી સુધી ચોતરફ લગ્નસરાની સિઝન જામેલી રહેશે. શિયાળુ લગ્નોત્સવનો હાલ અંતિમ તબકકામાં પ્રવેશ થયો છે. તા.૨૬-૨-૨૩ ને રવિવારે કમૂરતા બેસી જાય તે પહેલા રાજયભરમાં હજજારોની સંખ્યામાં લગ્નપ્રસંગો યોજાશે. આ વખતની લગ્નસરાની સિઝનમાં વિવિધ જ્ઞાાતિઓ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના ઉપક્રમે ઠેર-ઠેર સમુહલગ્નોત્સવના પણ અધિક પ્રમાણમાં આયોજનો થયા હતા. હોળાષ્ટક કમુર્હૂતા અને ત્યારબાદ મીનારક મુર્હુતાના કારણે કેટલોક સમય શુભ અને માંગલિક કાર્યો માટેના મુર્હૂત ઓછા મળશે. હોળી પહેલાના આઠ દિવસ એ હોળાષ્ટક કમુર્હૂતાના ગણાય છે. ભારતીય ધર્મશાસ્ત્રોમાં દર્શાવાયા મુજબ અને જયોતીષાચાર્યોના જણાવ્યા અનુસાર આ દિવસોમાં હોળીની સામી ઝાળ આવતી હોય તેથી તે દરમિયાન શુભ અને માંગલિક કાર્યો વર્જય ગણી શકાય હોળાષ્ટક બાદ ઉનાળુ લગ્નોત્સવની સીઝનના માંગલિક કાર્યોનો ધમધમાટ ફરી શરૂ થશે.