રાજ્યમાં મગફળીનું મબલખ ઉત્પાદન થયું હોવા છતાં સીંગતેલમાં સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે. સતત બીજા દિવસે આજે સીંગતેલમાં ભાવ વધારો જોવા મળ્યો હતો. ગઈકાલે ડબ્બે 50 રુપિયાનો વધારો ઝીંકાયા બાદ આજે ફરી એકવાર ડબ્બે 50 રુપિયા વધારવામાં આવ્યા હતા. બે દિવસમાં જ સીંગતેલના ડબ્બાના ભાવમાં 100 રુપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
એક તરફ સતત મોંઘવારી વધી રહી છે ત્યારે રાજ્યમાં સીંગતેલના ભાવ બેકાબુ થઈ રહ્યા છે. ભડકે બળતા સીંગતેલના ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. એક બાજુ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે સીંગતેલમાં સતત ભાવ વધતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સતત બીજા દિવસે સીંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. બે દિવસમાં ડબ્બે રુપિયા 100 નો વધારો ઝીંકી દેવાયો છે. ગઈકાલે ડબ્બે રુપિયા 50 નો વધારો કરતા ભાવ 2820 થયો હતો ત્યારે આજે ફરી એકવાર 50 રુપિયાનો ભાવ વધારો થતા ડબ્બાનો નવો ભાવ 2870 થયો છે. ત્રણ દિવસના ગાળામાં જ રુપિયા 130 થી 140 નો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. સતત વધી રહેલા ભાવ લોકો માટે માથાનો દુખાવો સમાન સાબિત થઈ રહ્યો છે.