ગુજરાત સરકાર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગબ્બર ખાતે 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પરિક્રમા મહોત્સવમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો આવશે. આ મહોત્સવને લઈ સરકાર પરીક્રમા માટે એસટી ભાડામાં 50 ટકા રાહત અપાશે અને યાત્રાના 24 કલાકની મર્યાદામા લાભ મળશે.
ગુજરાત સરકાર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી સ્થિત વિશ્વપ્રસિદ્ધ અંબે માતાજીના ગબ્બર ખાતે 12થી 16 ફેબ્રુઆરી દરમ્યાન 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આ મહોત્સવ આવતીકાલથી પાંચ દિવસી સુધી ચાલશે. આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં તમામ દિવસે શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા સત્સંગ, ગબ્બર તળેટી ખાતે જાણીતા કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે તેમજ દરરોજ સાંજ 7 વાગ્યે ગબ્બર ટોચ તેમજ પરિક્રમાના તમામ મંદિરોમાં એક સાથે આરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
આવતીકાલે મૂર્તિઓની પ્રક્ષાલન વિઘિ, શોભાયાત્રા, શક્તિપીઠના મંદિરોમાં જયોત અર્પણ અને માતાજીની મુર્તિનો મહા અભિષેકનો કાર્યક્રમ યોજાશે. 13મી ફેબ્રુઆરીના રોજ દરેક શક્તિપીઠના મંદિર ખાતે ધજા અર્પણ કાર્યક્રમ, આનંદ ગરબા અખંડ ધૂન, માતાજીની પાદુકા યાત્રા યોજાશે. આ ઉપરાંત 14મી ફેબ્રુઆરીના રોજ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમામાં ચામર યાત્રા તથા ગબ્બર ટોચ ખાતે રાત્રે 12 વાગ્યે મહાઆરતી યોજાશે. 15 મી ફેબ્રુઆરીના રોજ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમામાં પાલખી યાત્રા અને 16મી ફેબ્રુઆરીના રોજ આનંદ ગરબા અખંડ ધૂન પુર્ણાહુતિ તેમજ પાલખી યાત્રા તથા પરિક્રમા ઉત્સવના દાતાઓ, યજ્ઞના યજમાનો, બ્રાહ્મણો તેમજ વિશેષ આમંત્રિતોનું સન્માન કરવામાં આવશે.