રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે. આ બાબતે પોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ કરી છે. યુવક પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી. પેપર મોકૂફ લેવાનો નિર્ણય લેવાતા આખરે 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે. આ પરીક્ષા માટે 7500 પોલીસ સ્ટાફ અને 70 હજાર પરીક્ષા સ્ટાફ પરીક્ષામાં તૈનાત કરવામાં આવ્યો હતો. 1181 જગ્યા માટે આ પરીક્ષા યોજાવાની હતી. પેપર ફૂટયું હોવાનું સામે આવ્યું છે, ત્યારે સરકારે તપાસ કમિટીની રચના કરી હોવાના અહેવાલપંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે યોજાનારા જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થતાં રદ્દ કરી દીધી છે. ત્યારે સરકારે પેપર લીક મુદ્દે સરકાર દ્વારા એક તપાસ કમિટી રચવામાં આવી હોવાના મીડિયા અહેવાલ છે. આ કમિટીમાં પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને ગુજરાત એટીએસ મળીને તપાસ કરશે.
ગુજરાત યુનિવર્સિટીમાં પણ આજે CCCની પરીક્ષા યોજવાની હતી તે મોકૂફ રાખવામાં આવી છે. આજે યોજાવનારી CCCની પરીક્ષા પાંચ ફેબ્રુઆરીના રોજ યોજાશે. મળતી માહિતી મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં આવતી ઇલેક્ટ્રિસિટીની અંદર શોર્ટ સર્કિટ થતા સમગ્ર યુનિવર્સિટીની ઇલેક્ટ્રિસિટી બંધ થઈ ગઈ છે. જેના કારણે કોમ્પ્યુટર ચાલી શકે તેમ નથી માટે આજે યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને પરીક્ષા આપનાર ઉમેદવારોને સવારે જ જાણ કરી દેવામાં આવી હતી.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળનું જુનિયર ક્લાર્કનું પેપર ગુજરાત બહારથી લીક થયું હોવાથી પ્રાથમિક માહિતી બહાર આવી છે. જેમાં તેલંગાણા, બિહાર, ઓડિશા સહિતના રાજ્યોના લોકો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસની અલગ અલગ ટીમો આ અલગ અલગ રાજ્યોમાં તપાસ કરવા માટે પહોંચી ગઈ છે. વડોદરા ખાતે આવેલા એક ક્લાસિસમાં આ પેપર મોકલવામાં આવ્યું હતું અને ત્યાંથી પેપર કેટલાક ઉમેદવારો લેવા આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી ગુજરાતી એટીએસે મોડી રાત્રે આ વડોદરાના ક્લાસિસ પર ઓપરેશન કર્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. 10થી વધારે લોકોની અટકાયત કરી અને હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.
વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારો પરીક્ષા કેન્દ્રથી પોતાના મૂળ રહેઠાણ ખાતે પરત જવા ગુજરાત એસ.ટી.બસમાં વિનામૂલ્યે પ્રવાસ કરી શકશે. જે માટે ઉમેદવારે પોતાનો પ્રવેશપત્ર (કોલલેટર અથવા હોલ ટિકિટ) અને અસલ ફોટો ઓળખપત્ર બતાવીને ગુજરાત એસ.ટી.બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. આ સાથે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ દ્વારા બસ સ્ટેશન તેમજ સેન્ટરો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.