Proud of Gujarat
FeaturedGujaratINDIA

વ્યાજખોરીના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની વિશેષ મેગા ડ્રાઇવ

Share

રાજ્યમાં વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. વ્યાજખોરો પર લગામ કસવા પોલીસે શરૂ કરેલી કડક કાર્યવાહીથી વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ મેગા ડ્રાઇવમાં અત્યાર સુધીમાં ૪૬૪ એફ.આઇ.આર દાખલ કરવામાં આવી છે. જેમાં ૭૬૨ આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે. તે પૈકી ૩૧૬ આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. પોલીસે શરૂ કરેલી કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવન બચ્યાં છે તો અનેકને પોતાની ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી છે.

કોઈ અનધિકૃત વ્યાજખોર કડક કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી સાથે સમગ્ર કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીના સીધા માર્ગદર્શનમાં થઇ રહેલી આ કામગીરીથી રાજ્યમાં વ્યાજખોરોમાં સોંપો પડી ગયો છે.

Advertisement

તા.૫ મી જાન્યુઆરીથી શરૂ કરાયેલી આ મેગા ડ્રાઇવ અંતર્ગત ઠેર ઠેર યોજવામાં આવતા લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. આ લોકદરબારમાં ગૃહ વિભાગના અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વ્યાજખોરોના દબાણથી પરેશાન નાગરિકોની વેદના ખૂબ જ ધ્યાનથી સાંભળી અને તેઓ લોકોની વચ્ચે ગયા ને તેમની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી.

મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી દ્વારા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે, આ ડ્રાઇવનો ઉદ્દેશ માત્ર ફરિયાદોની સંખ્યા કરવાનો નથી. પરંતુ ગ્રાહ્ય ફરિયાદોને જ નોંધવામાં આવે અને તેના આધારે કડકપણે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે જે અરજદાર પાસેથી વ્યાજખોરે ખોટી રીતે નાણા પડાવ્યા હોય તે નાણા પણ પરત અપાવવાનો અભિગમ છે.

તા.૫ મી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં ગૃહવિભાગ દ્વારા ૯૩૯ લોકદરબાર યોજ્યા છે. જેમાં ૪૬૪ પોલીસ ફરિયાદો નોંધવામાં આવી છે. જે ફરિયાદો અંતર્ગત ૭૬૨ આરોપીઓના નામ સ્પષ્ટ થતાં તેમના સામે કડક કાર્યવાહી માટે ગુના નોંધી તે પૈકી ૩૧૬ વ્યાજખોર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાંથી ચાર આરોપીઓ સામે પાસા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ડાયમંડ સિટી સુરતમાં વ્યાજખોરો પર સામૂહિક તવાઈ

રાજ્યના ડાયમંડ સિટી કહેવાતા સુરતમાં પણ મોટાપાયે વ્યાજખોરો સક્રિય બન્યા હતાં. જો કે રાજ્ય સરકારની આ કડક કાર્યવાહીની સીધી અસરથી વ્યાજખોરો પર અંકુશ આવી ગયો છે. સુરતમાં ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે રૂપિયાનું ધીરાણ કરનારા અને પછી મિલકતો પડાવી લેવાના અનેક કિસ્સામાં પોલીસની કડક કાર્યવાહીથી નાગરીકોને રાહત મળી છે. સુરતના નયનાબેન નાથાભાઈ વીરાણીને ૮ લાખના ધીરાણ સામે મકાન પડાવી લઈને પછી એ પરત જોઇતું હોય તો ૮૦ લાખની માંગણી કરનારા વ્યાજખોરને સુરત પોલીસે સકંજામાં લઇ લીધો હતો. જેના કારણે ધીરાણ આપનારાએ મકાનનો દસ્તાવેજ મૂળ માલિકને પરત કરી દઇ માંડવાળી કરી હતી.

આ જ પ્રમાણે ચંપાબેન અજુડિયા નામના અરજદારે બ્લડ કેન્સરની સારવાર માટે લીધેલાં પાંચ લાખની વસૂલાત કરવા વ્યાજખોરે ૧૫ લાખની કિંમતનો ફ્લેટ પડાવી લીધો હતો. જો કે સુરત ક્રાઈમ બ્રાન્ચે અરજદારને ત્વરિત કાર્યવાહીમાં ૧૫ લાખનો ફ્લેટ પરત અપાવ્યો છે. તો બીજી તરફ સુરતના પરમેશ્વર પરમારે ૨.૬૦ લાખનું ધીરાણ બે વ્યાજખોર પાસેથી મેળવ્યું હતું. જેની સામે ૧૦ લાખની વસૂલાત કર્યાં છતાં પણ આરોપીએ ૪૫ લાખના મકાનના દસ્તાવેજ લઈ લીધાં હતાં. પોલીસે અરજદારને ૪૫ લાખના દસ્તાવેજ પરત કરાવ્યાં છે.

સુરતના વધુ એક કિસ્સામાં ફરિયાદી સુધીર ગોયાણી પાસેથી ૨૫ લાખ રોકડ અને ૩ દુકાનોના ઓવર વેલ્યુએશન તેમજ ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત ૬ કરોડનો હિસાબ બે આરોપીઓએ કાઢ્યો હતો. ફરિયાદીએ આ કિસ્સામાં ૪૫ લાખ ચૂકવી દીધાં હોવા છતાં ૩.૫૭ કરોડની કુલ ઉઘરાણી ગણાવી વધુ ૩.૧૨ કરોડ માગ્યા હતાં. પોલીસે રૂ. ૩.૧૨ કરોડની આ ઉઘરાણીમાંથી ફરિયાદીને મુક્ત કરાવ્યાં છે. 

વડોદરામાં પણ વ્યાજખોરોની શાન ઠેકાણે લાવતી પોલીસ

વડોદરા પોલીસ કમિશનર ડો. શમશેરસિંહના માર્ગદર્શનમાં હાથ ધરાયેલી ઝૂંબેશમાં વડોદરામાં પણ અનેક કિસ્સામાં અરજદારોને વ્યાજખોરોના દબાણમાંથી પોલીસે મુક્ત કરાવ્યાં છે. વડોદરાના કલ્પેશ ગોહીલને વર્ષ-૨૦૧૮માં લીધેલાં ૬ લાખના બદલામાં ૨૦ લાખની માંગણી નાણાં ધીરનારે કરી હતી. જેમાં બંને પક્ષને બોલાવી સમાધાન કરાવી અરજદારને રાહત અપાવી છે. એ જ પ્રમાણે અશ્વીનભાઈ પટેલે સંજયભાઈ પરમારને ૮૦ હજારમાં ભેંસ વેચાતી આપી હતી. ત્યાર બાદમાં નાણાં ચૂકવવામાં ન આવતાં અરજદારની સામે જ સમાધાન કરાવી ભેંસ પરત આપવાની બાહેંધરી લેવડાવી હતી. તો બીજી તરફ વડોદરામાં નાણાં ધીરધાર કર્યાં બાદ ઊંચા વ્યાજે મોટી રકમ પડાવવાના આરોપસર બે વ્યાજખોરો પ્રણવ ત્રિવેદી અને ગૌરાંગ મિસ્ત્રીની ધરપકડ કરવામાં આવી છે અને તેમને પાસા અંતર્ગત રાજકોટ અને ભૂજની જેલમાં મોકલી આપવામાં આવ્યાં છે.

વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલાં નાગરિકોની દર્દનાક સ્થિતિ, પોલીસ બની દેવદૂત

વ્યાજખોરોનું વિષચક્ર કેટલું ભયાવહ છે તે સમજવું હોય તો કેટલીક આપવીતી પણ જાણવી પડે. અમરોલીના વિનોદ જેઠવાની આપવીતી તેમના જ શબ્દોમાં જાણીએ તો ખ્યાલ આવશે કે લોકોને કેવી કેવી પીડાનો સામનો કરવો પડે છે અને પોલીસ કેવી રીતે દેવદૂત સાબિત થઇ રહી છે.

“એ દિવસે મેં નક્કી કરી લીધેલું કે હું અગાશીએથી કૂદી જઇશ અને ક્યાં તો ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લઇશ. મારી અંદર એક અજીબ પ્રકારની બેચેની થઇ રહી હતી. શરીર પર ફરી વળેલો પરસેવો આંખોમાંથી આંસુઓ રૂપે વહી રહ્યો હતો. હું સ્તબ્ધ થઇ ગયો હતો. પાંચ લાખ રૂપિયાની સામે મેં મારું મકાન તો લખી જ આપ્યું હતું, 11 લાખ 68 હજાર ચૂકવી ચૂક્યો હતો અને છતાં પેલો માણસ મહિને 15 હજાર માંગી રહ્યો હતો. પાંચ લાખ સામે ડબલ પૈસા ચૂકવી દીધા હોવા છતાં પેલા માણસનો લોભ સમાતો ન્હોતો અને મારું ભલું થાય એવા કોઇ સંજોગો મને દેખાઇ રહ્યા ન્હોતા. પોલીસ મદદ નહીં કરે તો છેલ્લો ઉપાય આપધાતનો નક્કી હતો. અમરોલી પોલીસને માંડીને વાત કરી. બધી હકીકતો તપાસી એમણે મારા ખભે હાથ મૂક્યો. કહ્યું, ‘આપઘાતનો વિચાર પણ નહીં કરતા…અમે તમારી સાથે છીએ!’ મારી આંખો ભીની થઇ ગઇ. હું ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડ્યો. પોલીસે તાત્કાલિક જગદીશ ગોધામ સામે ફરિયાદ દાખલ કરી-એની ધરપકડ કરી. જગદીશ ગોધામની ધરપકડ થઇ એ પળ મારા જીવનની ખાસ પળ હતી. મેં આંખો બંધ કરી અને મારા પરિવારનો ચહેરો હસતો દેખાયો. પોલીસે મને જગદીશ ગોધામનાં વ્યાજનાં ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો, એમણે મારા પરિવારને વીખાતું બચાવી લીધું. હવે નામદાર કોર્ટની મદદથી મને મારા ફ્લેટની ફાઇલ પાછી મળી જશે. વ્યાજના મહાચુંગાલમાંથી હું બચી ગયો-મારું પરિવાર બચી ગયું. જ્યારે મારી પાસે આપઘાત સિવાય કોઇ વિકલ્પ બાકી ન્હોતો રહ્યો ત્યારે સુરત શહેર પોલીસ મિત્ર બનીને મારી પડખે રહી…!”

નરપતદાસના ચહેરાનું સ્મિત પરત લાવી ગુજરાત પોલીસ

”જરૂરિયાત તમારી પાસે કંઇપણ કરાવી શકે-પણ વ્યાજનાં ખપ્પરમાં હોમાયા પછી હું એટલું ચોક્કસ સમજી શક્યો છું કે ટૂંકાગાળાનો લાભ જોઇ જીવનમાં ક્યારેય પણ ટૂંકા રસ્તા અપનાવવા નહીં…! 2019માં મારી મુલાકાત અજય સોલંકી સાથે થઇ. અમારી સામાન્ય મુલાકાત દોસ્તીમાં પરિણમી. એ સમયે મને ગ્રેનાઇટ ટ્રેડિંગનાં બિઝનેસ માટે પૈસાની જરૂર હતી. મેં આ વાત અજય સોલંકી સાથે શેર કરી અને એમણે મને 16 લાખ રૂપિયા 6 ટકા વ્યાજનાં માસિક દરે આપવાની તૈયારી બતાવી. મારે બેંકની લોનનાં ચક્કરમાં પડવું ન્હોતું એટલે મિત્ર પાસેથી વ્યાજે પૈસા લેવાનું સહેલું લાગ્યું. એ વખતે અજય સોલંકી દેવદૂત જેવા લાગેલા. મને હતું કે મારો બિઝનેસ ચાલી નીકળશે અને હું ધીમે-ધીમે વ્યાજ સાથે મુદ્દલ પણ પાછી આપી દઇશ. પણ-તમે ઇચ્છો એવું બધું જ હંમેશા થતું નથી. મારો બિઝનેસ ના ચાલ્યો. વાયદા પ્રમાણે હું અજય સોલંકીને વ્યાજ અને મુદ્દલ આપી ન શક્યો. જો કે-માંડ-માંડ બે છેડા ભેગા કરી મેં 13 લાખ રૂપિયા તો પરત કરી દીધા હતા. હવે મારે 3 લાખ રૂપિયા આપવાનાં બાકી હતા-પણ અજય સોલંકી વ્યાજ છોડવા તૈયાર ન્હોતા અને 3 લાખ સામે એ 7,50,000/- રૂપિયા પાછા માંગી રહ્યા હતા. મેં હિંમતભેર પાલ પોલીસને આખી હકીકત જણાવી. એમણે મને ધરપત આપી અને તપાસ ચાલુ કરી. ગણતરીનાં કલાકોમાં એમણે અજય સોલંકી પાસેથી સાડા ત્રણ લાખનાં ચેક પણ પરત લઇ લીધા. હવે મને અજય સોલંકીની પઠાણી ઉઘરાણીનો ડર નથી. સુરત શહેર પોલીસનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.”

નાણાં ઉછીના લેવા છે તો કેન્દ્રની યોજનાઓ છે જ!

દેશમાં કેન્દ્ર સરકાર જનસામાન્ય માટે અનેક ઉપયોગી યોજનાઓ ચલાવે છે. આ તમામ યોજનાઓની જાણકારીના અભાવે જ ઘણીવાર જનતા લેભાતુ તત્વોના ચુંગાલમાં ફસાય છે. નાણાં ધીરધાર કરનારાઓ આવી જ જાગૃતિના અભાવનો ફાયદો ઉઠાવે છે. લઘુથી માંડીને મોટા વેપાર માટે પણ કેન્દ્ર સરકારની સ્વનિધિ કે મુદ્રા યોજનામાં સાવ નજીવા દરે અને સબસિડીના લાભ સાથે નાણાં આપવામાં આવે છે પરંતુ જાણકારીના અભાવે લોકો વ્યાજખોરો પાસેથી નાણાં લે છે.

આદર્શ સમાજના નિર્માણની દિશામાં પગલું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પોલીસ વ્યાજખોરો પર તવાઈ બોલાવી રહી છે. અત્યાર સુધી વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી આત્યંતિક પગલું ભરવાની તૈયારી કરી ચૂકેલાં કેટલાંક પરિવારો પણ હવે સામે આવી રહ્યાં છે. પોલીસને મુક્તમને પોતાની વ્યથા જણાવી રહ્યાં છે. પોલીસ પણ તેમની પીડા સાંભળીને વ્યાજખોરોના વિષચક્રમાંથી તેમને મુક્ત કરી રહ્યાં છે. ગુજરાતમાં નાણાં ધીરધારનો ધંધો ડાઘમુક્ત બને તેવા અને ગેરકાયદે વ્યાજે નાણાં આપતાં લોકો પર લગામ લાગે તે અભિગમ સાથે ચાલી રહેલું આ અભિયાન ખરેખર એક મોટા સામાજિક દૂષણનો પણ અંત લાવશે. રાજ્ય સરકાર ઉપરાંત ગુજરાત પોલીસ પણ આ માટે ધન્યવાદને પાત્ર છે. આદર્શ સમાજના નિર્માણની દિશામાં આ એક મહત્વનું પગલું છે.


Share

Related posts

વડોદરા : ઠંડીમાં ઘરમાં તાપણું કરી સૂઈ રહેલા દંપતીનું ધુમાડાથી મોત

ProudOfGujarat

ડેડીયાપાડાના બયડી ગામની ખાણ ફરી ચાલુ થશે તો પાણીની ગંભીર સમસ્યા ઉભી થશે:ગ્રામજનોની મામલતદારને રજુઆત

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા વોર્ડ નંબર 15 માં પહોંચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!