રાજ્યમાં ઠંડીનું જોર જામી રહ્યું છે. ત્યારે આજે રાજ્યનાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. આજ સવારથી, ઉત્તર ગુજરાત અને પંચમહાલનાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બે દિવસ બાદ ઉત્તરાયણ છે અને વાતાવરણમાં પલટો આવતા પતંગ રસિયાઓમાં ચિંતા વ્યાપી ગઇ છે. જોકે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું હતુ કે, આ વખતે ઉતરાયણ સમયે સારું હવામાન રહેશે અને પવનની દિશા એવી હશે જેથી કરીને પતંગ રસિયાઓ પતંગ ચગાવી શકશે.
આજે સવારે પંચમહાલ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વાતાવરણ પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. પંચમહાલના ઘોઘંબા સહિતના કેટલાક વિસ્તારોમાં સવારથી ગાઢ ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. અહીં થોડા દિવસથી સવારે અને મોડી સાંજ બાદ ઠંડી પડી રહી છે. જેના કારણે બેવડી ઋતુનો પણ અનુભવ થઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લાનાં વાતાવરણમાં પલટો આવ્યો છે.જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. માવઠું થાય તેવું વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વાતાવરણ પલટાના કારણે ઘઉં, મકાઈ, ચણાના પાકને નુકસાન થઈ શકે છે. માવઠાની શક્યતાને પગલે ખેડૂતોની ચિંતા વધી છે. રવિ સીઝનમાં વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં 1 લાખ 30 હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.
ઉતરાયણમાં પવનની દિશા આ વખતે કેવી રહેશે તે અંગે હવામાન નિષ્ણાતે આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આ વખતે ઉતરાયણ સમયે કેવું હવામાન રહેશે અને પવનની દિશા કેવી હશે કે જેથી કરીને પતંગ રસિયાઓ પતંગ ચગાવી શકશે. ઉતરાયણમાં પવનની ગતિ તેજ રહેશે. 25 થી 30 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે જેના કારણે પતંગ રશિયાઓમાં આનંદની લાગણી છવાઇ છે. બપોર બાદ પવનની ગતિમાં વધારો થશે.તેમણે વધુમાં જણાવ્યુ કે, પવનની દિશા ઉત્તર પૂર્વની રહેવાનું અનુમાન છે. ઉ.ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પવન સારો રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ પવન રહી શકે છે. બપોર બાદ પવનની ગતિમાં વધારો થશે. પતંગ રસિકો માટે બપોર બાદ ઉતરાયણ જામશે અને પવનની ગતિ સારી રહેશે.