સતત વધતી મોંઘવારી એ સામાન્ય લોકો માટે એક મોટી સમસ્યા છે ત્યારે નવા વર્ષની શરૂઆતથી જ સામાન્ય માણસ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. આજે ફરી એકવાર CNG અને PNG ના ભાવમાં વધારો થયો છે. મીડિયા સૂત્રો મુજબ, ગુજરાત ગેસ દ્વારા સીએનજી-પીએનજીની કિંમતોમાં 5 ટકાનો વધારો કરાયો છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, ગુજરાત ગેસે આજે CNG ના ભાવમાં 5 ટકાનો વધારો કર્યો છે અને વધેલા ભાવ આજથી અમલી થયા છે. હવે ગુજરાત ગેસના CNG માટે રૂ. 78.52 પ્રતિ કિલો ચૂકવવા પડશે. આ સાથે ગુજરાતે ગેસે સ્થાનિક PNG ના ભાવમાં પણ વધારો કર્યો છે અને આ વધારેલા ભાવ આજથી અમલમાં રહેશે. ગુજરાત ગેસનો PNG ભાવ રૂ. 50.43 SCM થયો છે. તેમાં 5 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
જોકે બીજી તરફ ગુજરાત ગેસે ઔદ્યોગિક ગેસના ભાવમાં પ્રતિ SCM રૂ.7 નો ઘટાડો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. CNG અને PNG સાથે ઈન્ડસ્ટ્રી ગેસના બદલાયેલા ભાવ આજથી લાગુ થઈ છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક કુદરતી ગેસની કિંમતો નક્કી કરવા માટે સરકારે એક સમિતિની રચના કરી હતી. જોકે આ સમિતિએ પોતાના સૂચનો પણ સરકારને સુપરત કર્યા છે. મીડિયો રિપોર્ટ મુજબ, સમિતિએ સરકારને સીએનજી પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની ભલામણ કરી છે. આ ભલામણોમાં સમિતિએ સરકારને જણાવ્યું છે કે, જ્યાં સુધી નેચરલ ગેસને GSTના દાયરામાં લાવવાનો નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી સરકારે CNG પર ઓછી એક્સાઈઝ ડ્યૂટી વસૂલવી જોઈએ, જેથી લોકોને મોંઘા સીએનજીમાંથી રાહત મળી શકે. જોકે છેલ્લા ઘણા સમયથી રાજ્યના લોકો મોંઘા ગેસ અને પેટ્રોલિયમ પેદાશોની સતત વધતી કિંમતોનો સામનો કરી રહ્યા છે. ત્યારે નવા વર્ષની શરૂઆતમાં જ ગુજરાતના લોકો પર મોંઘવારીનો વધુ એક માર પડતા ચિંતામાં વધારો થયો છે.