ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ રશિયાઓ માટે આ વખતની ઉત્તરાયણમાં તડકો પડી જવાના સંજોગો ઉજળા બન્યા છે શનિ-રવિની રજા પતંગની કિંમતમાં બંડલે રૂ.500 નો ઘટાડો અને ભાવ હજુ ઘટવાની સંભાવના તથા કોરોનાની વિદાય બાદ મુક્ત મને ઉત્તરાયણનો પર્વ મનાવવાની સ્થિતિનું નિર્માણ થતાં ચાલુ વર્ષે પતંગ બજારના વેપારીઓને પણ નારાજ નહીં થવું પડે તેવું જણાઈ રહ્યું છે. દિવાળીના તહેવાર બાદ સૌથી વધુ ઉત્સાહથી ઉતરાયણ પર્વની ઉજવણી થાય છે. ફટાકડાના ભાવ ઊંચા રહેવા છતાં જિલ્લાજનોએ ભારે ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરી હતી. મોંઘવારીની સંભાવનાઓ વચ્ચે પતંગ રસીયાઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. ઉત્તરાયણ આડે ત્રણેક સપ્તાહનો સમય બાકી રહ્યો છે, વ્યાપારીઓએ હોલસેલ ખરીદીનું બુકિંગ પણ કરાવી દીધું છે તો કેટલાકે માલ પણ લાવી દીધો છે.
દોઢ દાયકાથી પતંગ દોરીનો વ્યવસાય કરતા મિતેશભાઇ મોદીએ વિગત આપતા જણાવ્યું કે આ વખતે વિવિધ પ્રકારના પતંગના ભાવમાં 15 થી 20 ટકાનો ઘટાડો થયો છે મતલબ 10,00 પતંગના બંડલમાં સરેરાશ 500 રૂપિયા ઘટ્યા છે અને હજુ ભાવ ઘટવાની સંભાવના છે. હિંમતનગર અને અમદાવાદમાં હોલસેલ વેપારીઓએ માલ ભરી દીધો છે પરંતુ વ્યાપારીઓ ધીરજ રાખીને બેઠા છે અને બુકિંગ ન આપતા હોલસેલરોમાં ઉચાટ પેદા થયો છે. પતંગ એક વર્ષ સાચવી શકાતા નથી જેથી હાલના ભાવ તોડીને પણ વ્યાપાર કરાશે જેને પગલે ઉતરાયણ સુધીમાં બંડલના ભાવ હજુ 2200 થી 2500 સુધી આવી જશે તે નક્કી છે. કપાસના ઊંચા ભાવને કારણે દોરીના ભાવમાં 15 ટકા જેટલો વધારો થયો છે જેનાથી વેપારમાં બહુ ફરક નહીં પડે અન્ય એક વેપારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે આ વર્ષે રાજસ્થાનથી ચાઇના દોરી મોટા પ્રમાણમાં ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી ગઈ છે પોલીસની કામગીરી ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી બની રહે છે, એકંદરે પતંગ રસિયાઓને આ વખતે ઉત્તરાયણનું પર્વ મન મૂકીને મનાવવામાં મોંઘવારી નહીં નડે તે નક્કી છે.